જામનગરમાં કિસાન ચોકમાં યુવાનની હત્યા નિપજાવી ફરાર થયેલા ત્રણેય આરોપીઓને નડ્યો અકસ્માત
- દડીયા પાસે બાઈક સ્લીપ થતા એક આરોપીનો પગ કપાયો, અન્ય બેને નાની-મોટી ઇજા
જામનગર, તા. 21 માર્ચ 2020 શનિવાર
જામનગરના કિશાન ચોક વિસ્તારમાં યુસુફ આમદ ખફી નામના યુવાન પર છરીના ઘા ઝીકી હત્યા નિપજાવી 3 હત્યારા આરોપીઓ અશ્વિન રામજીભાઈ સોલંકી, જીતેન્દ્ર જગદીશભાઈ ચાવડા અને વિપુલ રામાભાઇ ચૌહાણ રિક્ષામાં ભાગી છુટયા પછી તેઓએ રીક્ષા રેઢી મૂકી દીધી હતી અને બાઈકમાં ત્રણ સવારી બેસીને જામનગરથી બહાર નીકળ્યા હતા.
તેઓ દડીયા પાસે પહોંચતા એકાએક તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું. જે અકસ્માતમાં જીતેન્દ્રનો એક પગ કપાયો છે અને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી હોસ્પિટલમાં પહોંચાડ્યો છે. જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે તેઓનો પીછો કર્યો હતો. જે દરમિયાન આ બનાવ બન્યો હતો અને એલસીબીની ટીમે જીતેન્દ્ર તેમજ અશ્વિનને પકડી પાડયા હતા અને જી.જી.હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.
આ અકસ્માત પછી વિપુલ રામાભાઇ ચૌહાણ કે જે પોતે રિક્ષાચાલક પણ છે. તે અકસ્માતના બનાવ પછી ભાગી છૂટ્યો હતો. જોકે આજે વહેલી સવારે તેને પણ પકડી લેવાયો છે. અને તેને પણ ઈજા થઈ હોવાથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરાવવામાં આવી રહી છે. જે ત્રણેય આરોપીઓ ઉપર પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.
જામનગરના કિશાન ચોક વિસ્તારમાં યુસુફ આમદ ઉર્ફે છાપરી નામના શખ્સની હત્યા નીપજાવાઇ હતી. જે આરોપી પણ થોડા સમય પહેલા એક મોટી ચોરીના ગુનામાં સંડોવાયેલો હતો. ઉપરાંત લૂંટ મારામારી સહિતના તેની સામે અન્ય ગુનાઓ પણ નોંધાયેલા છે અને થોડા સમય પહેલાં જેલવાસ ભોગવીને બહાર આવ્યો હતો.
ગઈકાલે પણ પોતે છરી સાથે જ હાજર હતો અને તકરાર થયા પછી પોતે છરી ઉગામે તે પહેલાં જ તેના ઉપર હુમલો થઈ ગયો હતો.