જામજોધપુરના સિદસરમા આવેલું ઉમિયાધામ મંદિર દર્શનાર્થીઓ માટે 15 ઓગસ્ટ સુધી રહેશે બંધ
- કોરોનાના વધતા જતા સંક્રમણ તેમજ વેણુ નદીનો પુલ ડેમેજ થયો હોવાથી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા લેવાયો નિર્ણય
જામનગર, તા. 20 જુલાઇ 2020, સોમવાર
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર માં આવેલા પવિત્ર ધર્મસ્થાન ઉમિયાધામ મંદિરમા ભક્તજનોને 15 ઓગસ્ટ સુધી પ્રવેશ આપવામાં નહીં આવે, તેવી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને તેમજ વેણુ નદીનો પુલ ડેમેજ થયો હોવાના કારણે આ નિર્ણય કરાયો છે.
જામજોધપુર પંથકમાં હાલમાં કોરોનાનુ સંક્રમણ ખૂબ જ વધી ગયું છે, સાથોસાથ જામજોધપુર પંથકમાં સતત વરસાદ વરસી રહ્યો છે, અને વેણુ નદી પર આવેલો પુલ કે જે પુલ ઉપરથી સીદસર ઉમીયાધામના મંદિરે અવરજવર કરી શકાય છે. જે પુલ ડેમેજ થઈ ગયો હોવાથી આગામી 15મી ઓગસ્ટ સુધી મંદિરને દર્શનાર્થીઓ માટે બંધ રાખવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉમિયા ધામ મંદિર ટ્રસ્ટ દ્વારા આજે આ જાહેરાત કરવામાં આવી છે.