જામનગર નજીક દરેડ વિસ્તારમાં એક બાઈક સ્લીપ થઈ જતાં પાછળ બેઠેલા દડીયા ગામના યુવાનનું કરુણ મૃત્યુ
Image Source: Freepik
જામનગર, તા. 28 મે 2023 રવિવાર
જામનગર નજીક દરેડ વિસ્તારોમાં એક બાઈક સ્લીપ થઈ જતાં બાઇકની પાછળની સીટમાં બેઠેલા જામનગર તાલુકાના દડીયા ગામના એક યુવાનનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. જયારે બાઈક ચાલક ઇજાગ્રસ્ત બન્યો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના દડીયામાં રહેતો અને મજૂરી કામ કરતો વિજય પીઠાભાઈ રાઠોડ નામનો ૨૭ વર્ષનો યુવાન કે જે મોખાણા ગામના હિરેન રાજુભાઈ હિંગળા ના બાઈક માં પાછળ બેસીને દરેડ એપલ ગેટ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન એકાએક બાઈક સ્લીપ થઈ જતાં બાઈક ચાલક હિરેન અને પાછળ બેઠેલો વિજય બંને ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં વિજય રાઠોડ ને હેમરેજ સહિતની ગંભીર ઈજા થઈ હોવાથી તેનું કરૂણ મૃત્યુ નીપજયું છે.
આ અકસ્માતના બનાવની જાણ થતાં પંચકોષી બી ડિવિઝન નો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબ્જો સંભાળ્યો છે. જ્યારે બાઈક ચાલક સામે ગુનો નોંધ્યો છે.