જામનગરમાં ઘાંચીવાડ વિસ્તારમાંથી એસ.ઓ.જી.ની ટુકડીએ નશીલા પદાર્થ ગાંજાનું વેચાણ પકડી પાડ્યું
- બે કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો: અન્ય એક શખ્સ ને ફરારી જાહેર કરાયો
જામનગર, તા.29 જુલાઇ 2020, બુધવાર
જામનગરની એસ.ઓ.જી શાખાને ટુકડીને ચોક્કસ બાતમી મળી હતી કે ઘાંચીની ખડકી ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા અલતાફ ઉર્ફે સીમુડો હુસેનભાઇ શમા દ્વારા ભાડાના રહેણાંક મકાનમાંથી ખાનગી રાહે નશીલા પદાર્થ ગાંજાનું વેચાણ કરી રહ્યો છે. જે બાતમીના આધારે ઉપરોક્ત રહેણાક મકાન પર દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન રહેણાંક મકાનમાંથી બે કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ઉપરાંત ગાંજાના વેચાણના રૂપિયા 10,500 પણ રોકડા મળ્યા હતા.
જેથી પોલીસે 20,000ની કિંમતનો ગાંજો, ઉપરાંત રોકડ રકમ એક મોબાઇલ ફોન, ડિજિટલ વજન કાંટો વગેરે સહિત રૂપિયા 31,200ની માલમતા કબજે કરી લીધી હતી. પોલીસની પુછપરછ દરમિયાન ઉપરોક્ત ગાંજાના વેચાણમાં ઘાંચીની ખડકી વિસ્તારમાં રહેતો ઇંદ્રિશ મહંમદ હાલા નામનો શખ્સ પણ સંડોવાયેલા હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે.
બન્ને શખ્સો સામે સિટીએ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. અને સીટીએ ડીવીઝન પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.