Gujarat

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કોવિડ વોર્ડને આખરે લાંબા સમય પછી લગાવાયા તાળા

By GS Team
3 Mar 20222 mins read
This article was originally published on 3 Mar 2022
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કોવિડ વોર્ડને આખરે લાંબા સમય પછી લગાવાયા તાળા

- જી.જી. હોસ્પિટલમાં કોરોનાના અંતિમ દર્દીને પણ રજા આપી દેવામાં આવી હોવાથી કોવિડ વિભાગ આજે સંપૂર્ણપણે ખાલી થયો

- જામનગર શહેરમાં કોરોના કેસ ત્રણ દિવસથી શુન્ય: જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં માત્ર એક પોઝિટિવ કેસ નોંધાયો

જામનગર તા 0૩, 

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાએ કહેર મચાવ્યો હતો, અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ કોરોના ના દર્દીઓથી ઉભરાઇ હતી. પરંતુ હોસ્પિટલ તંત્ર તેમજ આરોગ્ય તંત્રની સતર્કતાને લઈને ધીમે ધીમે કોરોનાની લહેર કાબૂમાં આવી ગઈ છે.તેમજ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ કે જેમાં સૌરાષ્ટ્ર ભરમાંથી કોરોનાના કેદીઓ સારવાર માટે આવી રહ્યા હતા. જે કોવિડ હોસ્પિટલના તમામ વોર્ડ અને આખરે આજે તાળા મારી દેવાનો વારો આવ્યો છે, અને હોસ્પિટલ તંત્રએ ખુબજ રાહતનો શ્વાસ લીધો છે.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં એક તબક્કે ત્રણસોથી સાડા ત્રણસો દર્દીઓ સારવાર મેળવી રહ્યા હતા. કેટલાક દર્દીઓએ કોરોનાના કારણે જીવ પણ ગુમાવ્યા છે, જેમાં કેટલાક દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તો કેટલાક દર્દીઓ અન્ય બીમારીના કારણે પણ મૃત્યુ પામ્યાનું જાહેર કરાયું છે.

છેલ્લા કેટલાક દિવસથી ત્રીજી લહેર સમાપ્તિ તરફ આગળ ધપી રહી હતી, તે મામલે આજે જી.જી.હોસ્પિટલમાંથી સારા સમાચાર મળ્યા છે. છેલ્લા એકાદ સપ્તાહમાં બે ત્રણ દર્દીઓ સારવાર હેઠળ હતા, જે પૈકીના અંતિમ દર્દીને પણ ગઈ કાલે જી.જી. હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હોવાથી આજે સમગ્ર કોવિડ વિભાગના તમામ વોર્ડને તાળા મારી દેવાનો વારો આવ્યો છે, અને કોરોના ની ત્રીજી લહેરની સમાપ્તિ થઈ ગઈ છે.

જામનગર શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસનો આંકડો શુન્યનો રહ્યો છે. પરંતુ જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલે એક માત્ર પોઝિટિવ કેસ નોંધાયો હતો, અને કોરોનાના વળતા પાણી થઇ ગયા હોવાથી જામનગર શહેર અને જિલ્લાના આરોગ્ય તંત્રે પણ હાશકારો અનુભવ્યો છે.