નવપરિણીતાને ગળેટૂંપો આપી પતિએ હત્યા કરી હોવાનું ખૂલ્યું
- આરબલુસ ગામના આપઘાત પ્રકરણમાં નવો વળાંક
- પતિ અને જેઠાણી વચ્ચેના અનૈતિક સંબંધોમાં આડખીલીરૂપ પત્નીનું કાસળ કાઢી નખાતા ગુન્હો દર્જ
જામનગર, તા. 31 જુલાઈ, 2020, શુક્રવાર
લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં એક નવ પરિણીતા દહેજના ખપ્પરમાં હોમાઇ ગઇ હોવાનું જાહેર થયુ હતું. પરંતુ પરિણીતાએ આત્મ હત્યા નહીં, પરંતુ તેના પતિએ ગળે ટૂંપો દઈને હત્યા નિપજાવી હોવાનો પી.એમ. રિપોર્ટના આધારે ખુલાસો થયો છે. પતિ અને જેઠાણી વચ્ચેના અનૈતિક સંબંધોમાં આડખીલી રૂપ પત્નીનું કાસળ કાઢી નાખવામાં આવ્યું હોવાનું સામે આવતાં પોલીસ તંત્ર ચોંકી ઉઠયું છે. અને આ પ્રકરણમાં હત્યાની કલમનો પણ ઉમેરો કર્યો છે.
ભાવનગર તાલુકાના ભંડારિયા ગામ ના વતની જયુભા કનુભા ગોહિલની પુત્રી પૂર્ણાબા કે જેના લગ્ન ગત ૩૧મી જાન્યુઆરી ૨૦૨૦ ના દિવસે લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં રહેતા શક્તિસિંહ રાજુભા જાડેજા સાથે થયા હતા. જે લગ્નના ત્રીજા માસથી જ દહેજના કારણે પૂર્ણાબા ને ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું. અને દહેજ ઓછું લાવી છો તેમ કહી પતિ સાસુ અને જેઠાણી અવારનવાર મેણાં ટોણાં મારી ત્રાસ ગુજારતા હતા.ત્રાસ સહન નહીં થતાં પૂર્ણાબાએ ગત ૨૭મી એ પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ જિંદગીનો અંત લાવી દીધો હતો.
આ મામલો લાલપુર પોલીસ મથક સુધી પહોંચ્યો હતો અને લાલપુર પોલીસે પૂર્ણાબાના માવતર પક્ષને ભાવનગર જાણ કરતાં મૃતકના પિતા જયુભા ગોહિલ લાલપુર દોડી આવ્યા હતા.જેમણે પોતાની પુત્રીને દહેજના કારણે ત્રાસ અપાતો હોવાનું જણાવ્યું હતું.જેથી જામનગરના મહિલા પોલીસ મથકમાં મૃતકના પતિ શક્તિસિંહ રાજુભા જાડેજા, સાસુ રેખાબા રાજુભા જાડેજા, અને જેઠાણી અનિતાબા અનુપ સિંહ જાડેજા સામે આપઘાત કરવાની દુષ્પ્રેરણા આપવા માટેની કલમ સહિતનો ગુનો નોંધાવ્યો હતો.
દરમિયાન લાલપુર પોલીસ દ્વારા જી.જી.હોસ્પિટલમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેના રિપોર્ટમાં મૃતક ને ગળે ટૂંપો અપાયો હોવાનું તારણ નીકળતાં આ પ્રકરણમાં નવો વળાંક આવ્યો હતો. જેથી લાલપુર પોલીસે મૃતકના પતિ શક્તિસિંહની વધુ પૂછપરછ કરી હતી. જેમાં આખરે આરોપી ભાંગી ગયો હતો. અને પોતે જ દોરડા વડે ગળે ટૂંપો દઇ હત્યા કરી હોવાનું કબૂલી લીધું હતું.
પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક પૂર્ણાબા ને આરોપી પતિ શક્તિસિંહ તેમજ સાસુ રેખાબા અને જેઠાણી નીતાબા ત્રાસ આપતા હતા ઉપરાંત પતિ શક્તિસિંહ અને જેઠાણી વચ્ચે આડા સંબંધો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું જે માં તેણી આડખીલીરૂપ હોવાથી પતિ એ પોતાની ભાભી ની હાજરીમાં જ પૂર્ણાબા નુ કાસળ કાઢી નાખ્યું હતું. અને બનાવને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી પોલીસે પતિ એને ભાભી સામે હત્યાનો ગુનો દર્જ કરી તેમના કોવિડ ટેસ્ટ બાદ ધરપકડ કરાશે. નાના એવા આરબલુસ ગામમાં આ બનાવે ભારે ચકચાર જગાવી છે.