સુરતથી મોટરસાયકલ પર આવીને મંજૂરી વિના વિભાપરમાં ઘુસેલુ દંપતી પકડાયુ
જામનગર, તા. 18 મે 2020 સોમવાર
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં સુરતનું એક દંપતી કોઈપણ પ્રકારની મંજૂરી વિના મોટરસાયકલ પર બેસીને વિભાપર મા ઘુસી આવ્યું હોવાથી પોલીસે તેઓને પકડી પાડી કોરેન્ટાઈન કર્યું છે. જ્યારે બન્ને સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો છે.
સુરતના કામરેજ વિસ્તારમાં રહેતું દંપતિ અશ્વિનભાઈ પરષોત્તમભાઇ સંઘાણી અને આશાબેન અશ્વિનભાઈ સંઘાણી પોતાના મોટરસાઇકલ પર બેસીને કોઈ પણ મંજૂરી વિના 16મી તારીખે વિભાપર ગામમાં ઘૂસી આવ્યા હતા અને જાહેરનામાનો ભંગ કર્યો હતો.
બેડી મરીન પોલીસ સ્ટેશન સ્ટાફને આ અંગેની જાણકારી મળી જતા વિભાપર ગામમા પહોંચી જઈ સુરતથી આવેલા દંપતીને શોધી કાઢ્યું હતું અને બન્નેને કોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત દંપતી સામે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.