- જી.જી.હોસ્પિટલમાં થી બેશુદ્ધ અવસ્થામાં કોઈ રીક્ષા ચાલક ફૂટપાથ પર મૂકી ગયા હોવાનું અનુમાન: પોલીસ દ્વારા ઊંડી તપાસ
જામનગર તા.0૩
જામનગર માં ભીડભંજન મહાદેવ મંદિરના ઓટલા પરથી ગઈકાલે સાંજે 6૦થી 65 વર્ષની વયના એક ઇજાગ્રસ્ત એવા વયોવૃદ્ધ પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. જેનો પોલીસે કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને તેની ઓળખ માટેની કાર્યવાહી હાથ ધરી છે. જી.જી. હોસ્પિટલ માંથી સારવાર દરમિયાન તેને કોઈ અજ્ઞાત વ્યક્તિ અહીં મૂકી ગયા હોવાનું અનુમાન લગાવ્યું છે. જે મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ભીડભંજન મહાદેવ ના મંદિરની ફૂટપાથ પરથી ગઈકાલે સાંજે છ વાગ્યાના અરસામાં 6૦થી 65 વર્ષની વયના અજ્ઞાત પુરૂષનો મૃતદેહ પડયો હોવાની જાણકારી મળતાં મોક્ષ ફાઉન્ડેશનના સામાજિક કાર્યકર હિતેશગીરી લાલગિરી ગોસાઈએ તુરતજ પોલીસને જાણ કરી હતી, અને પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતકની ઓળખ માટે જી.જી હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં દરમિયાન મૃતદેહની સાથે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલની ચાદર તથા હોસ્પિટલ ને લગતું કેટલુંક સાહિત્ય મળી આવ્યું હોવાથી કોઈ અજ્ઞાત વ્યક્તિ દ્વારા મૃતક કે જે જીવિત અવસ્થામાં હશે, ત્યારે હોસ્પિટલમાંથી રિક્ષામાં લઈને ફૂટપાથ પર મુકીને ચાલ્યો ગયો હતો, અને ત્યાં તેનું મૃત્યુ નીપજયું હોવાનું પોલીસે તારણ કાઢ્યું છે.
મૃતકને પગમાં તાજું પ્લાસ્ટર બાંધેલું હોવાનું પણ જોવા મળ્યું હતું. જેથી જી.જી. હોસ્પિટલના સીસીટીવી કેમેરાના ફૂટેજ નિહાળીને પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.


