જામનગરમાં કોરોના વાયરસની દહેશત વચ્ચે જીજી હોસ્પિટલના એક તબીબ નો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ
- 41 વર્ષીય તબીબ જીજી હોસ્પિટલ સ્વાઈન ફલૂના આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ: તબિયત સ્થિર.
જામનગર, તા.17 માર્ચ 2020, સોમવાર
જામનગર સહિત સમગ્ર ગુજરાતભરમાં કોરોના વાયરસના હાઉની વચ્ચે તંત્ર દ્વારા લોકોને કઈ રીતે બચાવી શકાય તેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન જામનગરની સરકારી જી.જી હોસ્પિટલના એક તબીબનો સ્વાઈન ફ્લુનો પોઝીટીવ રીપોર્ટ આવતા દોડધામ મચી ગઈ છે. 41 વર્ષીય તબીબને જીજી હોસ્પિટલના સ્વાઈન ફલૂ માટેના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે, અને તેઓની તબિયત સ્થિર છે. આ રિપોર્ટને કારણે આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
સમગ્ર દેશ અને દુનિયાભરમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવી દીધો છે અને કોરોના વાયરસથી બચવા માટેના તંત્ર દ્વારા તમામ પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લાનું વહીવટીતંત્ર પણ કોરોના વાયરસને લઈને ખૂબ જ ચિંતિત છે અને આરોગ્યને લઇને ખૂબ જ અસરકારક પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.
આ કાર્યવાહી દરમિયાન જામનગરની સરકારી જી.જી હોસપીટલના 41 વર્ષના એક તબીબનો સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાં જ સ્વાઈન ફલૂનાં દર્દી માટે ઊભા કરાયેલા સ્પેશિયલ આઇસોલેશન વોર્ડમાં તબીબને હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ગઈકાલે તેઓનો સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા જીજી હોસ્પિટલનું તંત્ર દોડતું થયું છે.
હાલ તબીબની હાલત સ્થિર છે, અને તેમની સારવાર ચાલી રહી છે. જેઓને એક સપ્તાહથી શરદી ઉધરસની તકલીફ હતી અને જીજી હોસ્પિટલમાં જ સારવાર ચાલી રહી હતી, તે દરમિયાન ગઈકાલે તેઓનો રિપોર્ટ કરાતા સ્વાઈન ફ્લૂનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે કોરોના વાયરસના હાઉ વચ્ચે સ્વાઇન ફ્લુનો રોગચાળો સામે આવતા જામનગર શહેરમાં પણ ભારે દોડધામ થઈ છે. જામનગર જીલ્લાનું આરોગ્ય તંત્ર આ નવી બીમારીને લઇને વધારે દોડતું થયું છે.