- કાલાવડના સતિયા ગામમાં એક પરણિતાનો ઝેરી દવા પી લઇ આત્મહત્યા: મતવા ગામના એક યુવાન નો ગળાફાંસા દ્વારા આપઘાત
જામનગર : જામનગર તાલુકાના મતવા ગામ માં એક શ્રમિક યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગી ટૂંકાવી છે. જ્યારે કાલાવડ તાલુકાના સતિયા ગામમાં રહેતી એક પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આપઘાત કરી લીધો છે.
આ બનાવની વિગત એવી છે કે મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર નો વતની અને હાલ જામનગર તાલુકાના વટવા ગામમાં રહેતા ખેડૂત વિજયભાઈ ભવાનભાઈ સંઘાણી ની વાડી માં રહીને ખેત મજૂરી કામ કરતા કનુભાઈ ઉર્ફે કનૈયા પાતળિયાભાઈ ભુરીયા નામના ૩૮ વર્ષના એક યુવાને ગઈકાલે પોતાની વાડીની ઓરડીમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગી ટૂંકાવી છે. આ બનાવ અંગે મૃતકની પત્ની શર્મીલાબેન ઉર્ફે સવિતાબેને પોલીસને જાણ કરતાં જામનગર ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત આપઘાતનો બીજો કિસ્સો કાલાવડ તાલુકાના સતીયા ગામમાં બન્યો હતો. જ્યાં રહેતી ધનુબેન લીંબાભાઇ ગોલતર નામની ૪૦ વર્ષીય પરણીતાએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરાયા પછી તેણીનું મૃત્યુ નીપજયું છે. જે મામલે પોલીસને જાણ કરાતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.


