- પ્રતિ કલાકના 30 કિ.મી.ની ઝડપે મોડી સાંજથી પલટાયેલા પવનના કારણે વાતાવરણમાં ફરીથી ઠંડક: વરસાદી ઝાપટાની શક્યતા
જામનગર, તા. 1 ડિસેમ્બર 2021 બુધવાર
જામનગર શહેર અને જિલ્લાના આજે વહેલી સવારથી એકા એક હવામાન પલટાયું છે અને આકાશમાં વાદળોના ગંજ ખડકાઇ ગયા હોવાથી ફરી ટાઢોડુ છવાયું છે. મોડી સાંજે ઠંડો પવન ફૂંકાયા પછી આજે માવઠું થવાની શક્યતા છે.
જામનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં હવામાન ખાતા દ્વારા માવઠું થઇ શકે તેવી આગાહી કરાયાના પગલે જામનગર જિલ્લાના વાતાવરણમાં એકાએક બદલાવ આવ્યો છે. આજે વહેલી સવારથી આકાશમાં વાદળોના ગંજ આખડકાઈ ગયા હોવાથી ટાઢોડું છવાયેલું જોવા મળ્યું છે. ઉપરાંત વરસાદી વાતાવરણ ને લઈને કમોસમી છાંટા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
વહેલી સવારથી જ સૂર્યદેવતા અલિપ્ત થઇ ગયા છે, અને ભેજયુક્ત વાતાવરણમાં ને લઈને વહેલી સવારે લોકોની ખૂબ જ પાંખી હાજરી જોવા મળી રહી છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 18.5 ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણના ભેજનું પ્રમાણ 66 ટકા રહ્યું હતું, ત્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 20 કિ.મી.ની ઝડપે રહી હતી જે વધીને 30 કિમી સુધી પહોંચી હતી.


