જામનગરમાં 19,367 ખુલ્લા પ્લોટધારકો સામે વેરા વસૂલાત માટે કડક પગલાં : જાહેર નોટિસથી પ્લોટધારકોમાં ફફડાટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરાની વસૂલાત માટે હવે ખુલ્લા પ્લોટધારકો સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં 19,367 ખુલ્લા પ્લોટધારકોએ મિલકતવેરો ભરપાઈ કર્યો ન હોવાથી તેમની મિલકતો ઉપર વેરાનો બોજો ઊભો કરવા તેમજ સાંકેતિક કબજો લેવા મહાનગરપાલિકા દ્વારા જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ કાર્યવાહીથી બાકી વેરો ધરાવતા પ્લોટધારકોમાં ફફડાટ ફેલાયો છે.
જીપીએમસી એક્ટ તથા તેને લાગુ પડતા નિયમો અનુસાર જામનગર મહાનગરપાલિકાની હદમાં આવેલી દરેક મિલકત, જેમાં ખુલ્લા પ્લોટનો પણ સમાવેશ થાય છે, તેના માલિકે મિલકતવેરો, આનુષંગિક વેરા અને સર્વિસ ચાર્જ ભરવાનો રહે છે. જોકે શહેરના અનેક ખુલ્લા પ્લોટધારકો દ્વારા લાંબા સમયથી વેરાની ચુકવણી કરવામાં આવી નથી.
મહાનગરપાલિકા દ્વારા અગાઉ બાકી વેરાની વસૂલાત માટે વોરંટ તથા અનુસૂચિની બજવણી કરવામાં આવી હતી, તેમ છતાં વેરો ભરપાઈ ન થતાં હવે મિલકતવેરા શાખાએ આકરાં પગલાં લેવાનું શરૂ કર્યું છે. શહેરના કુલ 19,367 ખુલ્લા પ્લોટધારકોની મિલકતો ઉપર વેરાનો બોજો ઊભો કરવા તથા સાંકેતિક કબજો લેવા માટે જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. સાંકેતિક કબજાની કાર્યવાહી બાદ પણ બાકી વેરાની વસૂલાત નહીં થાય તો મિલકતો ટાંચમાં લેવા અને જરૂર પડ્યે જાહેર હરાજી સુધીનાં પગલાં લેવામાં આવશે. મહાનગરપાલિકાની આ કડક કાર્યવાહીથી બાકી વેરો ધરાવતા પ્લોટધારકોમાં હવે વેરો ભરવા માટે દોડધામ શરૂ થઈ છે.




