કાલાવડના ભાજપના પૂર્વ ધારાસભ્યની પુત્રની ગળાફાંસા દ્વારા આત્મહત્યાની ઘટનાથી ભારે અરેરાટી
- એન્જિનિયરિંગના ઉચ્ચ અભ્યાસ માટે લોક ડાઉન દરમિયાન કેનેડા જવા નહીં મળતા ભરેલું અંતિમ પગલું
- પિતાએ ઊંચી ફી ભરી દીધી હોવાથી અને હવાઇ સેવા બંધ હોવાથી ડિપ્રેશનમાં રહેતી હતી
જામનગર, તા. 30 એપ્રીલ 2020, ગુરુવાર
જામનગર જિલ્લાના ધ્રોલમાં રહેતા અને કાલાવડના ભાજપના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ અમરાભાઇ ચાવડા ની પુત્રી રિદ્ધિ બેન (ઉ.વ.૨૪) એ ગઈકાલે બપોરે પોતાના ઘેર ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં તેણી નું કરુણ મૃત્યુ નીપજયું હતું.
પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ અને તેમના પત્ની તથા પુત્ર અને પુત્રવધુ જેઓ ગઈકાલે પોતાના સંબંધીને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાથી પોરબંદર ગયા હતા, દરમિયાન પાછળથી ઘરમાં એકલી રહેલી પુત્રી રિદ્ધિબેને આત્મહત્યાનું પગલું ભરી લીધું હતું.આ બનાવ અંગે સૌપ્રથમ રિદ્ધિ ની બહેનપણી ને માલુમ પડતા પરિવારજનોને જાણ કરી હતી.
પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળ્યો હતો અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન મૃતક યુવતી રિધ્ધીબેન કે જેમણે હાલ બી.ઈ. એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે. અને ઉચ્ચ અભ્યાસ માટે તેણીને કેનેડા જવાનું હતું જે અભ્યાસનો ખર્ચ અને ફી પણ ખૂબ મોટી હતી અને તે પણ પિતાએ કેનેડા માં ભરી દીધી હતી.
પરંતુ હાલ લોક ડાઉન ચાલી રહ્યું છે અને હવાઇ સેવા બંધ છે, ત્યારે ફરીથી ક્યારે કેનેડા જશે અથવા તો અભ્યાસ કરી શકશે તેની ચિંતામાં ડિપ્રેશનમાં રહેતી હતી અને આખરે ગઈ કાલે આત્મહત્યાનું પગલું ભરી લીધાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે. આ બનાવ પછી પૂર્વ ધારાસભ્યના પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.