જામનગરમાં કરુણાંતિકા : 100 વર્ષ જૂની વેપારી પેઢીના પુત્રનું હાર્ટ એટેકમાં મૃત્યુ બાદ આઘાતમાં માતાએ પણ જીવ ગુમાવ્યો
- 30 વર્ષના યુવાનનું દુકાનમાં જ હૃદય બંધ પડી ગયા પછી થોડા કલાકો બાદ આઘાતમાં સરી પડેલી માતાએ પણ જીવ ગુમાવ્યો
જામનગર,તા.18 સપ્ટેમ્બર 2023,સોમવાર
જામનગરમાં મ્હાલક્ષમી ચોક વિસ્તારમાં આવેલી 100 વર્ષ જૂની વૈદ્યની દવાની પેઢીમાં ભારે કરુણાંતિકા સર્જાઇ છે. 30 વર્ષિય યુવાન પુત્રનું હુમલો આવી જતાં મૃત્યુ થયા પછી તેના થોડા કલાકો બાદ માતાએ પણ આઘાતમાં સરી પડી પોતાનો જીવ ગુમાવ્યો છે. માતા પુત્ર બનેના મૃત્યુને લઈને સમગ્ર પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં આવેલી નાગજીભાઈ વૈદ્યની સૌથી જૂની પેઢી કે હાલ તેનો પૌત્ર રાજ વલેરા દુકાનનું સંચાલન કરે છે, અને આયુર્વેદિક દવાની પેઢી ચલાવે છે.
જે યુવાનને શનિવારે બપોર બાદ એકાએક હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને તેનું દુકાનમાંજ હાર્ટ ફેઇલ થઈ જતાં મૃત્યુ નીપજ્યું હતું. તેના મૃતદેહને ઘરે લઈ આવ્યા પછી રાજકોટથી આવેલી તેની બહેન તથા માતા ધીરજબેન વલેરાએ હૈયા ફાટ રુદન કર્યું હતું.
ત્યાર બાદ પરિવારના અન્ય સભ્યો, જ્ઞાતિજનો દ્વારા રાજની અંતિમ વિધિ કરવામાં આવી રહી હતી, જે દરમિયાન પાછળથી માતા ધીરજબેનને પણ હૃદયરોગનો હુમલો આવી ગયો હતો, અને તેઓને તાત્કાલિક અસરથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં ધીરજબેનનું પણ હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું.
આમ થોડા કલાકના અંતરમાં જ યુવાન પુત્ર અને માતા બંનેના મૃત્યુને લઈને બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના પરિવારજનો થતા અન્ય વેપારી વગેરેમાં ભાઈ શોકનું મોજું ફરી વળ્યું છે. રાજ વલેરાની સ્મશાનમાં અંતિમવિધિ ચાલતી હતી, ત્યાં જ પાછળથી માતાના મૃત્યુના સમાચાર મળતાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી.