જામનગર શહેરમાં નશીલા પદાર્થનો વેપલો કરતા તત્વો ને ઝેર કરવા એસ.ઓ.જી. ની અવીરત કવાયત
ચાર કિલો ગાંજા ના જથ્થા સાથે શહેરમાંથી વધુ એક પર પ્રાંતિય શખ્સની અટકાયત: અન્ય એક ની શોધખોળ
જામનગર, તા. 26 માર્ચ 2023 રવિવાર
જામનગરમાં નશીલા પદાર્થ નો વેપલો કરનારા તત્વો ને ઝેર કરવા માટે એસ.ઓ.જી. શાખાએ કમર કસી છે, અને પરમદીને એક દંપત્તી સહીત ત્રણ શખ્સો ને નશીલા પદાર્થના જંગી જથ્થા સાથે પકડી પાડ્યા પછી રવિવારે વધુ એક પરપ્રાંતિય શખ્સ ની શહેરમાંથી ચાર કિલો ગાંજા ના જથ્થા સાથે અટકાયત કરી લીધી છે, જ્યારે તે જથ્થો સપ્લાય કરનાર અન્ય એક ની શોધખોળ હાથ ધરી છે.
જામનગરની એસ.ઓ.જી. શાખા ને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગરમાં જુંના રેલવે સ્ટેશન તરફથી એક શખ્સ ગાંજાનો જથ્થો લઈને આવી રહ્યો છે, જે બાતમીના આધારે બ્રુક બોન્ડ મેદાન પાસે વોચ ગોઠવી હતી.
દરમિયાન મૂળ ઉત્તર પ્રદેશના રાયબરેલી નો વતની અને હાલ જામનગરમાં ધરાર નગર વિસ્તારમાં રહેતો સાજીદ ઉર્ફે મુન્નો રજબખાન કે જે શંકાસ્પદ હાલત માં પસાર થઈ રહ્યો હોવાથી તેને અટકાવીને પૂછપરછ કરી હતી. અને તેના હાથમાં રહેલા એક થેલા ની તપાસ કરી હતી.
જે થેલામાંથી ચાર કિલો નસીલા પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે તેની અટકાયત કરી લઈ ગાંજા ના જથ્થા સહિતની સામગ્રી કબજે કરી છે. પોલીસ દ્વારા તેની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ગાંજાનો જથ્થો સપ્લાય કરીને ભાગી છૂટેલા વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.