જામનગર, તા. 1 ડિસેમ્બર 2021 બુધવાર
જામનગર શહેરમાં તસ્કરોએ એક પછી એક રહેણાંક મકાનને નિશાન બનાવી લઇ પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંક્યો છે, અને પોલીસની ટાઢ ઉડાડી છે. એક સપ્તાહના પાંચમા રહેણાંક મકાનને નિશાન બનાવી લીધું છે. જેથી પોલીસ તંત્રની ઊંઘ હરામ થઇ ગઇ છે.
જામનગર શહેરમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન જુદા જુદા ચાર જેટલા રહેણાંક મકાનમાંથી ચોરી થઇ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાયા પછી પોલીસ તંત્ર ને પકડવા માટે દોડધામ કરી રહ્યું છે. દરમિયાન ગઇરાત્રે વધુ એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી લીધું હોવાનું સામે આવ્યું છે.
જામનગરમાં ખોડીયાર કોલોની નજીક શિવ ટાઉનશીપ બ્લોક નંબર 17માં રહેતા નવીનભાઈ ગિરિજાશંકર જાની નામના વયોવૃદ્ધના બંધ રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવી લઇ અંદરથી સોના ચાંદીના દાગીના વગેરે મળી કુલ રૂપિયા 20 હજારની માલમતા ચોરી કરી લઇ ગયાની ફરિયાદ સી ટી સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. પોલીસે તસ્કરોને પકડવા માટે દોડધામ શરૂ કરી છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન તસ્કરોએ પાંચમાં રહેણાંક મકાનને નિશાન બનાવી લીધું છે.


