જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં બે જૂથ વચ્ચે સામાન્ય બાબતમાં તકરાર પછી ધીંગાણું
- બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ પછી પોલીસે બંને પક્ષના સાત આરોપીઓને પકડી પડ્યા
- એક જૂથમાં હુમલાખોર આરોપી તરીકે કોંગી કોર્પોરેટરનો પુત્ર ફરાર
જામનગર, તા. 28 માર્ચ 2020 શનિવાર
જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં બે જૂથ વચ્ચે સામાન્ય બાબતમાં તકરાર થયા પછી સામસામે ધીંગાણું થયું હતું. જે અંગે બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ કરાઈ છે. જ્યારે એક જૂથ દ્વારા બે વાહનોમાં અને એક રિક્ષામાં તોડફોડ કર્યાની ફરિયાદ થઈ છે. પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી સાત આરોપીઓને પકડી પાડ્યા છે. જ્યારે એક આરોપી તરીકે હુમલાખોર કોંગી કોર્પોરેટરોનો પુત્ર ભાગી છૂટયો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.
મારામારીના બનાવની વિગત એવી છે કે જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા પૃથ્વીરાજસિંહ કિશોરસિંહ વાઢેર ને તે જ વિસ્તારમાં રહેતા અલ્તાફ ગુલમામદ બાબવાણી સાથે બોલાચાલી થઈ હતી જેના મનદુઃખના કારણે ગઈ કાલે બંને વચ્ચે ફરીથી તકરાર થઇ હતી. જેમાં પૃથ્વીરાજસિંહ કિશોરસિંહ વાઢેર ઉપર અલ્તાફ ગુલમામદ બાબવણી તેમજ તે વિસ્તારના કોંગી કોર્પોરેટર મરિયમ બેન સુમરા નાં પુત્ર પપ્પુ ઉર્ફે અલ્તાફ કાસમ અખાણી જૂસબ ઉંમર ખીરા અને મોહમ્મદ ઝાકીર હુસેન સેતા નામના ચાર શખ્સો સામે હુમલા અંગેની સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે.
જ્યારે સામાપક્ષે અલ્તાફ ગુલમામદ બાબવાણી એ પોતાના ઉપર હુમલો કરવા અંગે તેમજ બે મોટરસાઇકલ અને એક રિક્ષામાં તોડફોડ કરી નુકસાન પહોંચાડવા અંગે પૃથ્વીરાજસિંહ કિશોરસિંહ, જયરાજસિંહ ચૌહાણ, જયેશ લખમણભાઇ પિલ્લે તથા અન્ય એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ પછી સીટી-સી ડિવિઝનના પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બંને પક્ષના મળી સાત આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જ્યારે કોર્પોરેટર મરિયમ બેન સુમરા નો પુત્ર અલ્તાફ ઉર્ફે પપ્પુ ભાગી છૂટયો હોવાથી તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.