Get The App

જામજોધપુરના સમાણા પીજીવીસીએલના એક કર્મચારીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત

Updated: Jan 25th, 2022

GS TEAM

Google News
Google News
જામજોધપુરના સમાણા પીજીવીસીએલના એક કર્મચારીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત 1 - image

જામનગર, તા. 25

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં આવેલી પીજીવીસીએલની કચેરીમાં કારકુન તરીકે નોકરી કરતા એક કર્મચારીએ ગઈકાલે પોતાના રૂમમાં કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જિંદગીનો અંત લાવી દીધો છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે. થોડા દિવસો બાદ જ લગ્ન યોજાવાના હતા. જેથી પરિવારજનોમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા ગામના વતની અને હાલ જામજોધપુરના સમાણા પીજીવીસીએલની કચેરીમાં કારકુન તરીકે નોકરી કરતા તેમજ જામજોધપુરમાં મકાન ભાડે રાખીને અન્ય વીજ કચેરીના કર્મચારીઓ સાથે રૂમ-પાર્ટનર તરીકે રહેતા કલ્પેશ દેવાયતભાઈ પીઠડીયા નામના 24 વર્ષના કર્મચારીએ ગઈકાલે બપોરે બે વાગ્યાના અરસામાં પોતાના રુમમાં પંખાના હુકમાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.

આ બનાવ પછી મૃતકના પરિવારજનો જામજોધપુર દોડી આવ્યા હતા, અને મૃતક ના સંબંધી હરેશભાઈ લખમણભાઇ પિઠીયા એ પોલીસને જાણ કરતાં જામજોધપુરનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક યુવાને કયા સંજોગોમાં આપઘાતનું પગલું ભરી લીધું, તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. મૃતક યુવાન કેજે અન્ય કર્મચારીઓ સાથે રૂમ ભાડે રાખીને રહેતો હતો, અને તાજેતરમાં પોતાના વતનમાં ગયો હતો. ત્યાંથી બે દિવસ પહેલાં જામજોધપુર પરત આવ્યો હતો. દરમિયાન તેણે ગઈ કાલે રહસ્યમય સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું હતું. જે અંગેની વધુ પુછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યા મુજબ મૃતકના આવતા મહિને લગ્ન પણ યોજાયા હતા, તે પહેલાં જ તેણે આ પગલું ભરી લેતાં પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.