જામનગરમાં કિચનવેરનો માલ સામાન વેચવા આવેલા એક સેલ્સમેનને ત્રણ શખ્સોએ લૂંટી લીધો
- સાત રસ્તા રોડ પર બાઈકમાં પીછો કરીને આવેલા ત્રણ લુટારૂઓએ માર મારી રૂપિયા બે હજારની લૂંટ ચલાવ્યાની પોલીસ ફરિયાદ
- પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી લૂંટારૂ શખ્સોને શોધવાની કવાયત: રાંદલ નગર વિસ્તારના જ રહેવાસી હોવાનું પ્રાથમિક તારણ
જામનગર,તા 6 ઓગષ્ટ 2021,શુક્રવાર
જામનગરમાં સુમેર કલબ રોડ પરથી પસાર થઈ રહેલા કિચનવેર ના સેલ્સમેનને ત્રણ જેટલા લૂંટારૂ શખ્સોએ આંતરી લઇ ભય બતાવી તેની પાસેથી રૂપિયા બે હજારની લૂંટ ચલાવી ભાગી છૂટયા હતા. જે ત્રણેય લુટારૂ શખ્સો સામે સીટી-એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાઓની મદદથી તેઓને શોધી કાઢવા કવાયત હાથ ધરી છે.
આ લૂંટના બનાવની વિગત એવી છે કે મૂળ ધ્રોલ તાલુકાના હમાપર ગામનો વતની નવઘણ ભુપતભાઈ સોલંકી નામનો 27 વર્ષનો દેવીપૂજક યુવાને કે જે જામનગર શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં કિચનવેરના માલ સામાનનું વેચાણ કરી રહ્યો છે, અને સેલ્સમેન તરીકે કામ કરે છે.
જે ગત.24 જુલાઈના સાંજના પાંચેક વાગ્યાના અરસામાં વુલન મિલ પાસેથી પોતાનો સમાન વેંચીને બાઇક પર એસટી રોડ તરફ જવા માટે નીકળ્યો હતો.
દરમિયાન સુમેર કલબ નજીક ત્રણ અજાણ્યા બાઇક પર આવેલા શખ્સોએ તેને આંતરી લીધો હતો, અને મારકૂટ કરી તેના ખિસ્સામાંથી રૂપિયા 2000ની લૂંટ ચલાવી હતી, અને ત્રણેય લૂંટારૂઓ ભાગી છૂટયા હતા.
જે બનાવ અંગે સીટી એ ડીવીઝન માં પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લૂંટારૂ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને એલસીબીની ટીમ તેમજ સીટી એ ડીવીઝન પોલીસ વગેરેએ જુદાજુદા વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં ત્રણેય શખ્સો વુલનમિલથી બાઈકમાં પીછો કરી રહ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, અને લૂંટની ઘટનાને અંજામ આપી ભાગી છૂટયા હતા.
જે ત્રણેયને શોધવા માટેની પોલીસે કવાયત હાથ ધરી છે અને જામનગરના રાંદલનગર વિસ્તારમાં ત્રણેય વસવાટ કરતા હોવાનું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે, અને તે દિશામાં પોલીસે તપાસનો દોર આગળ ધપાવ્યો છે.