જામવંથલી–અલિયાબાડા રેલવે લાઇન ઉપર 4 નવેમ્બરે સેફ્ટી કમિશનરનું નિરીક્ષણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : રાજકોટ–કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટ અંતર્ગત જામવંથલી–અલિયાબાડા રેલવે સેક્શનમાં નવનિર્મિત રેલવે લાઇન પર આવતીકાલે તા.2 નવેમ્બરની સવારથી 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ રન શરૂ કરવામાં આવશે. જ્યારે તા.4 નવેમ્બરના રોજ પશ્ચિમ સર્કલ, મુંબઈના રેલવે સેફ્ટી કમિશનર દ્વારા નવી રેલવે લાઇનનું સુરક્ષા નિરીક્ષણ અને અંતિમ સ્પીડ ટેસ્ટ હાથ ધરવામાં આવશે.
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા રેલવે સુરક્ષા અને સંચાલન ક્ષમતામાં વધારો કરવાના ભાગરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તા. 4 નવેમ્બરના રોજ સવારે 8થી રાત્રે 8 વાગ્યા સુધી નિરીક્ષણ દરમિયાન રેલવે લાઇનની સુરક્ષા, સ્થિરતા તથા ટેકનિકલ માપદંડોની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે, જેથી ઊંચી ઝડપે ટ્રેનોનું સુરક્ષિત સંચાલન સુનિશ્ચિત કરી શકાય.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, સ્પીડ ટ્રાયલ ઇલેક્ટ્રિક એન્જિન સાથે ઓસિલેશન મોનિટરિંગ સિસ્ટમની મદદથી હાથ ધરવામાં આવશે. આ સિસ્ટમ દ્વારા એન્જિનની ગતિ અને કંપન સહિતની ગતિશીલ પ્રવૃત્તિઓ પર નજર રાખીને 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રેલવે લાઇન પર સુરક્ષિત સંચાલનની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે.
રેલવે સેફ્ટી કમિશનરની જરૂરી મંજૂરી મળ્યા બાદ આ નવનિર્મિત લાઇન પર નિયમિત ટ્રેન વ્યવહાર શરૂ કરવામાં આવશે. આથી રેલવે સેક્શનની સંચાલન ક્ષમતામાં વધારો થવાની સાથે મુસાફરોને વધુ સુગમ રેલવે સેવા ઉપલબ્ધ થવાની અપેક્ષા છે.
રેલવે ટ્રેકથી દૂર રહેવા નાગરિકોને અપીલ
જામવંથલી–અલિયાબાડા રેલવે સેક્શનમાં આવતીકાલથી જ 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ રન શરૂ થવાના હોવાથી રેલવે પ્રશાસન દ્વારા નાગરિકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. રેલવે ટ્રેકથી સુરક્ષિત અંતર જાળવવા, ટ્રેકની આસપાસ અવરજવર નહીં કરવા તથા ટ્રેક ઓળંગવાનું ટાળવા અનુરોધ કરાયો છે. ટ્રેનની ઊંચી ઝડપને ધ્યાનમાં રાખતાં ટ્રેકની નજીક જવું કે તેને ઓળંગવું જોખમી અને જીવલેણ સાબિત થઈ શકે છે. આથી નાગરિકોને રેલવેના સુરક્ષા નિયમોનું પાલન કરી સહયોગ આપવા જણાવાયું છે.




