Get The App

કાલાવડ પાસે કાર ચાલક પર હુમલો કરીને લૂંટ: નાકાબંધી

- ચાર અજાણ્યા શખ્સોનું કારસ્તાન

- રસ્તા પર અણીદાર પથ્થર મુકીને કારમાં પંચર પાડયા બાદ રોકડ, મોબાઈલ અને ચાવી પણ લૂંટી ગયેલા શખ્સો પકડવા કવાયત

Updated: Feb 4th, 2020

GS TEAM

Google News
Google News
કાલાવડ પાસે કાર ચાલક પર હુમલો કરીને લૂંટ: નાકાબંધી 1 - image


જામનગર,તા. 04 ફેબ્રુઆરી 2020 મંગળવાર

જામનગર જિલ્લાના કાલાવડ માં ગઇરાત્રે ચાર લૂંટારૂઓ ત્રાટક્યા હતા એક બોલેરો વાહન ની આડે અણીદાર પથ્થરો નાખી તેના ટાયરમાં પંચર કરી નાખી બોલેરો ચાલક ને માથા પર ધોકા વડે હુમલો કરી દીધો હતો અને તેની પાસેથી બે મોબાઇલ ફોન અને રોકડ રકમ તથા વાહનની ચાવી વગેરે લૂંટીને ફરાર થયા હતા. કાલાવડ પોલીસે આ મામલે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી  લૂંટારૂઓને પકડવા માટે ચોતરફ નાકાબંધી કરી શોધખોળ હાથ ધરી હતી.

આ બનાવની વિગત એવી છે કે લાલપુર નાં ધરાનગર વિસ્તારમાં રહેતો હબીબભાઈ રહીમભાઈ સંધિ નામનો બોલેરો ચાલક યુવાન સુરતથી પોતાના  બોલેરોમાં માલ સામાન ભરીને જામનગર તરફ આવતો હતો અને કાલાવડ જામનગર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો.

 જે દરમિયાન કાલાવડ નજીક જીઆઇડીસીના ગેટ પાસે કોઈ અજ્ઞાાત શખ્સોએ અણીદાર પથ્થરો માર્ગ પર મૂકી દીધા હતા જેના કારણે બોલેરો માં પંચર પડી ગયું હતું. આ બનાવ પછી બોલેરો ચાલક હબીબભાઈ તેમાંથી ઉતરી પોતાનું ટાયર ચેક કરી રહ્યા હતા.જે દરમિયાન ચાર અજ્ઞાાત શખ્સો ત્યાં ધસી આવ્યા હતા અને લાકડાના ધોકા વડે હબીબભાઈ ના માથા પર હુમલો કરી દીધો હતો અને તેમના ખિસ્સામાંથી તેમજ બોલેરોમાં રાખેલી રૂપિયા ૧૫૯૦૦ ની રોકડ રકમ અને બે મોબાઇલ ફોન તેમજ બોલેરો ની ચાવી વગેરેની લૂંટ ચલાવી ચારેય લુટારુઓ ભાગી છૂટયા હતા.

આ બનાવ પછી હબીબભાઈએ કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં સારવાર લીધા પછી કાલાવડ પોલીસ સ્ટેશનમાં ચારેય સામે લૂંટ અંગેની ફરિયાદ નોંધાવતા કાલાવડ પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધી ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી. પોલીસે ચારેય તરફ નાકાબંધી કરી હતી અને કેટલાક સીસીટીવી કેમેરાઓ વગેરેના આધારે આરોપી ના વર્ણન મેળવી લઇ વિશેષ તપાસ હાથ ધરી હતી. કેટલાક શકમંદો ને  પોલીસે ઉઠાવી લીધા હોવાનું જાણવા મળ્યું છે અને નજીકના ભવિષ્યમાં જ આ લૂંટની ઘટના નો ભેદ ઉકેલાઈ જાય તેવી સંભાવના છે.

Tags :