Gujarat

લોકડાઉન દરમ્યાન જામનગર પહોંચેલા બાળકનું પરિવાર સાથે મિલન

By GS Team
23 Apr 20201 min read
This article was originally published on 23 Apr 2020
લોકડાઉન દરમ્યાન જામનગર પહોંચેલા બાળકનું પરિવાર સાથે મિલન

જામનગર, તા. 23 એપ્રીલ 2020, ગુરુવાર

કોરોના વાઇરસને પગલે ચાલતા લોકડાઉન દરમ્યાન છેક સુરેન્દ્રનગરથી જામનગર પહોંચી ગયેલા બાળકનું તેના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું.

31 માર્ચના રોજ જી.જી. હોસ્પિટલ વિસ્તાર પાસે એક જાગૃત નાગરિકને બાળક બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. તેણે જાણ કરતાં ચાઈલ્ડ હેલ્પલાઈન 1098 મારફતે જિલ્લા બાળ સુરક્ષા એકમને બાળક વિશે માહિતી મળી હતી. જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળકને સરકારી ચિલ્ડ્રન હોમમાં આશ્રય આપી તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.

ચિલ્ડ્રન હોમના અધિક્ષક અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન દ્વારા પરામર્શન કરાતા બાળકે સ્વસ્થ થઈને પોતાનું સરનામું સુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણ ગામ જણાવ્યું હતું. સુરેન્દ્રનગરની બાળ કલ્યાણ સમિતિનો સંપર્ક કરીને બાળકના ઘર અને પરિવાર વિશેની માહિતી મેળવી જામનગરથી સ્પેશ્યલ વાહનમાં સ્ટાફ બાળકને લઈને સુરેન્દ્રનગર રવાના થયો હતો.

દેશમાં મહામારીના સમયમાં બાળકનું પોતાના પરિવાર સાથે મિલન થતાં લાગણીભીનાં દૃશ્યો સર્જાયાં હતાં. પરિવારજનોએ કહ્યું હતું કે આ સમય દરમિયાન બાળકને શોધવા માટે અમે ઘણા પ્રયાસો કર્યા હતા પરંતુ મળતું ન હતું. કોરોનાવાયરસની પરિસ્થિતિમાં બાળક સ્વસ્થ સ્થિતિમાં મળી જવાથી પરિવાર ખૂબ આનંદિત થયો હતો.