જામનગરની સજુબા ગર્લ્સ હાઇસ્કુલમાં આવેલુ ધાર્મિક બાંધકામ ભારે પોલીસ બંદોબસ્તના કાફલા સાથે મોડી રાત્રે દૂર કરાયું
- એસ.ડી.એમ. મામલતદારની ટીમ અને એસ.પી. સહિતના વિશાળ પોલીસ કાફલાની હાજરીમાં બાંધકામ દૂર કરી સ્કૂલનું પટાંગણ ખાલી કરાવાયું
- આજે પણ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દઇ શાળામાં પ્રવેશ બંધી ફરમાવાઇ: ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
જામનગર,તા.3 જુન 2023,શનિવાર
જામનગરની ઐતિહાસિક સજુબા સ્કૂલના પટાંગણમાં લાંબા સમયથી એક ધાર્મિક સ્થળ ઉભું કરાયું હતું, જેને માટેની અનેક વખત રજૂઆત પછી આખરે ગઈકાલે મોડી રાતે જામનગરના જિલ્લા કલેક્ટરના તંત્ર, એસપી સહિતના પોલીસ કાફલાની વચ્ચે અડધી રાત્રે ધાર્મિક સ્થળને ખસેડી લેવામાં આવ્યું છે, અને શાળાનું પટાંગણ ખુલ્લું કરી દેવામાં આવ્યું છે. આજે શાળામાં કોઈપણ વ્યક્તિને પ્રવેશ બંધી ફરમાવાઇ છે, અને સમગ્ર વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
જામનગરની સજુભા ગર્લ્સ હાઇસ્કુલના પટાંગણમાં સૈયદ જીનત બીબીમાં નાગાણીની દરગાહ (મઝાર) ઊભી કરાઈ હતી, શાળાના પટાંગણની વચ્ચોવચ આ ધાર્મિક સ્થળ ઊભું કરી દેવાયું હોવાથી ત્યાં પ્રતિદિન અગરબત્તી-લોબાન જેવી ધાર્મિક પ્રવૃત્તિ ચાલતી હતી, અને જેના ધુમાડાના કારણે શાળાની વિદ્યાર્થીનીઓને ખલેલ પહોંચતી હતી. તે મામલે શાળાના પ્રિન્સિપાલ દ્વારા જામનગર જિલ્લાના વહીવટીતંત્ર ઉપરાંત ગુજરાત રાજ્યમાં ઉચ્ચકક્ષાએ પણ રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત જામનગરના એક સેવાભાવી સંગઠન હિન્દૂ સેના દ્વારા પણ આ ધાર્મિક સ્થળને દૂર કરવા માટેની અગાઉ રજૂઆત કરવામાં આવી હતી.
દરમિયાન ગઈકાલે મોડી રાત્રે જામનગર જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ એસડીએમ કચેરીના નાયબ મામલતદાર ભાવેશભાઈ પ્રજાપતિ, ઉપરાંત મામલતદારની કચેરીના નાયબ મામલતદાર દીપેશ વારા સહિતના અધિકારીઓનો કાફલો જોડાયો હતો, જયારે પોલીસ તંત્રમાં ખુદ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ અડધી રાત્રે ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાંત જામનગરની એલસીબી અને એસ.ઓ.જી.શાખા, સીટી એ ડિવિઝન બી અને સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારી અને પોલીસ સ્ટાફ સહિતનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ઉપરાંત જામનગરના દિપક ટોકીઝ રોડ-સજુબા ગર્લ્સ હાઇસ્કુલ તરફ જવાના માર્ગે એક તરફનો રસ્તો અડધી રાતે બંધ કરી દઇ પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો. અને ગઈ રાત્રીના બે વાગ્યે ધાર્મિક સ્થળ વાળું બાંધકામ દૂર કરી દેવામાં આવ્યું હતું, અને વહેલી સવાર સુધીમાં શાળાનું પટાંગણ ખુલ્લું કરી દેવામાં આવ્યું છે.
આ સમગ્ર કાર્યવાહી સમયે કોઈપણ વ્યક્તિ અથવા મીડિયાને શાળાના પ્રવેશ આપ્યો ન હતો, અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો હતો. આજે પણ સમગ્ર શાળાના પરિસરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, અને કોઈપણ વ્યક્તિને શાળાની અંદર પ્રવેશબંધી ફરમાઈ છે.
આ ધાર્મિક સ્થળ દૂર કરી દેવાયા પછી તેના કોઈ પ્રત્યાઘાતો ન પડે અથવા તો કોઈ અન્ય ઘટના ન બને તે બાબતે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની આગેવાની હેઠળ સમગ્ર પોલીસ તંત્ર ચાંપતી નજર રાખી રહ્યું છે.