જામનગર શહેરના જીવાદોરી સમાન રણજીતસાગર ડેમમાં અડધો ફુટ જ્યારે સસોઈ ડેમમાં ત્રણ ફુટ નવા પાણીની આવક થઈ
જામનગર,તા.19 જુલાઈ 2021,સોમવાર
જામનગર શહેર અને જિલ્લામાં શનિ-રવિ દરમિયાન પડેલા વરસાદના કારણે શહેરના જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ માં અડધો ફૂટ નવું પાણી આવ્યું છે, જ્યારે સસોઈ ડેમમાં ત્રણ ફુટ નવા પાણીની આવક થઇ છે.
જામનગરના રણજીતસાગર ડેમની ફુલ 26 ફૂટની સપાટી છે જેમાં 17 ફૂટ પાણીનો જથ્થો હયાત હતો. દરમિયાન તાજેતરના વરસાદથી રણજીતસાગર ડેમ માં અડધો ફૂટ નવું પાણી આવ્યું છે, અને હાલ 18 ફૂટની સપાટી થઈ છે.
તે જ રીતે જામનગર શહેરને પાણી પૂરું પાડતા સસોઈ ડેમમાં પણ નવા નીર આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદ દરમિયાન સસોઈ ડેમમાં ત્રણ ફુટ નવા પાણીની આવક થઇ છે. સસોઈ ડેમમાં 7.91 ફૂટ પાણીનો જથ્થો હતો. જેમાં ત્રણ ફૂટ નવી આવક થઇ હોવાથી હાલ 10.91ની સપાટી છે, અને કુલ 149 એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો સંગ્રહ થયેલો છે. જેમાંથી પ્રતિદિન 25 એમ.એલ.ડી. પાણી ઉપાડવામાં આવી રહ્યું છે. આમ શનિવાર રવિવારના વરસાદ દરમિયાન જામનગર શહેરને પાણી પૂરું પાડતા બે જળાશયોમાં નવા પાણીની આવક શરૂ થઇ છે. જેથી શહેરીજનો હરખાયા છે.