ખંભાળીયા જામનગર ધોરી માર્ગ પર બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં રાજકોટના યુવાનનું મૃત્યુ
જામ ખંભાળિયા, તા. 14 એપ્રીલ 2020, મંગળવાર
ખંભાળીયા જામનગર હાઈવે પર અત્રેથી આશરે તેર કિલોમીટર દૂર આરાધના ધામ નજીક આવેલી એક હોટલ પાસેથી ખંભાળિયા તરફ આવી રહેલા ટ્રક સાથે આ માર્ગ પર પૂરઝડપે આવી રહેલા અન્ય ટ્રક સામેથી ધડાકાભેર અથડાયો હતો.
આ અકસ્માતમાં રાજકોટના રહીશ અને ટ્રકના ચાલક શકીલ ઈકબાલ મિયાં કાદરી નામના 40 વર્ષના યુવાનનું ઈજાગ્રસ્ત હાલતમાં કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આ ટ્રકના ક્લીનર રાજકોટના ફૈઝાન બુખારીને પણ ગંભીર ઇજાઓ થતાં વધુ સારવાર માટે જામનગર થી રાજકોટ ખસેડવામાં આવ્યા છે.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ શબિર હુશેન ઈકબાલ મિયાં કાદરી (રહે. રાજકોટ)ની ફરિયાદ પરથી વાડીનાર મરીન પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.