Get The App

જામનગરમાં કોરોનાનો કેર વધતા વધુ ચાર સ્થળોએ ક્વોરન્ટાઇન સેન્ટર શરૂ

- હરીયા સ્કૂલ, કુંવરબાઇ જૈન ધર્મશાળા, આયુર્વેદિક હોસ્પિટલમાં સેન્ટર શરૂ

- સમરસ હોસ્ટેલમાં રખાયેલા 200થી વધુ લોકોના રિપોર્ટ નેગેટીવ આવતા તંત્ર દ્વારા તમામને ત્યાંથી ખસેડીને કરાયા હોમ ક્વોરન્ટાઇન

Updated: May 9th, 2020

GS TEAM

Google News
Google News
જામનગરમાં કોરોનાનો કેર વધતા વધુ ચાર સ્થળોએ ક્વોરન્ટાઇન સેન્ટર શરૂ 1 - image


જામનગર, તા. 09 મે 2020, શનિવાર 

જામનગર જિલ્લાનું વહીવટીતંત્ર કોરોના વાયરસ ના સંક્રમણને રોકવા માટેની લડાઇ લડી રહ્યું છે. ત્યારે શહેરી વિસ્તારમાં કોરોના પોઝિટિવના કેસની સંખ્યામાં વધારો થતાં સમરસ હોસ્ટેલ સિવાય જામનગર શહેરના વિસ્તારમાં જુદાં-જુદાં ચાર સ્થળોએ ક્વારેન્ટાઈન સેન્ટર ઉભા કરી દેવામાં આવ્યા છે તથા સમરસ હોસ્ટેલમાં રખાયેલા ૨૦૦થી વધુ લોકોના કોરોનાના રિપોર્ટ નેગેટીવ આવતા તમામને તંત્ર દ્વારા ત્યાંથી  ખસેડી હોમ ક્વોરન્ટાઇન કરાયા હતા. 

જામનગર શહેરમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો મળ્યા પછી તેઓના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરવા અથવા તો તેઓને અન્ય ક્વોરન્ટાઈન સેન્ટરમાં રાખવા માટે હાલ સમરસ હોસ્ટેલ એક જ કાર્યરત હોવાથી જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવા સેન્ટર ઉભા કરવા માટેનો મ્યુનિ.કમિશનર સતીશ પટેલ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. 

જામનગર હરિયા સ્કુલ, કુંવરબાઇ જૈન ધર્મશાળા, આયુર્વેદિક હોસ્પિટલ અને સૈફી હોસ્પિટલ વગેરે ચાર સ્થળોએ સેન્ટર ઉભા કરી દેવામાં આવ્યા છે. મ્યુનિ. જામનગરે કમિશનરે આજે સૈફી હોસ્પિટલ માં ઉભા કરાયેલા ક્વારેન્ટાઈન સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી. 

 જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા ચારેય સેન્ટરો પર જુદા જુદા સ્ટાફની નિમણૂક કરી દેવામાં આવી છે. અને આજથી જ ચારેય સેન્ટરો શરૂ કરી દેવામાં આવ્યા છે. જ્યાં રહેવા અને ભોજન સહિતની તમામ સુવિધાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે.

જામનગર શહેરમાં પ્રવેશ મેળવવા માટે આવેલા સંખ્યાબંધ લોકો ને જામનગર નજીક ઠેબા ચોકડી પાસે આવેલી સમરસ હોસ્ટેલમાં રાખવામાં આવ્યા છે. જે પૈકીના ૨૦૦થી વધુ વ્યક્તિઓ કે જેઓના કોરોના વાયરસના સેમ્પલો લેવામાં આવ્યા હતા જે પૈકી ૨૦૦ થી વધુ વ્યક્તિને રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી તમામને હોમ ક્વોરન્ટાઈન કરવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. જેના ભાગરૂપે રાત્રીના સાડા અગિયાર વાગ્યા પછી ૨૦૦ જેટલા વ્યક્તિઓને એક ખાનગી બસ તેમજ જુદા જુદા અન્ય ૬૦ થી વધુ ફોરવીલરોમાં જામનગર લાવવા માટેની કવાયત શરૂ કરાઇ હતી.

જે વાહનોનો કાફલો જામનગરના ગુલાબનગર પોલીસ ચોકી નજીક પહોંચતા પોલીસે સખતાઈથી તમામ વાહનોનું ચેકિંગ કર્યું હતું. જે વાહનોના કાફલાની સાથે જામનગર મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ પણ આવી હતી. સાત જેટલી ટુકડીઓ દ્વારા તમામને પોતાના ઘેર પહોંચાડી અને ક્વોરન્ટાઈન માટેની પ્રક્રિયા શરૂ કરાઇ હતી.

જે તમામ ના લિસ્ટ પણ સાથે રખાયા હતા. અને ક્રમશઃ ચકાસણી કર્યા પછી વાહનમાં રહેલા લોકોને પોતપોતાના ઘેર મોકલવાની કાર્યવાહી ચાલી હતી. જે મોડી રાત્રી સુધી કવાયત હાથ ધરવામાં આવી હતી. મોડીરાત્રીના ગુલાબ નગર પોલીસ ચોકી નજીક વાહનોના થપ્પા લાગવાના કારણે પોલીસ તંત્રમાં પણ દોડધામ મચી ગઈ હતી.

Tags :