જામનગર,તા.18 જુલાઈ 2023,મંગળવાર
છોટી કાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં આજથી પવિત્ર પાવન પુરુષોત્તમ માસનો પ્રારંભ થયો છે, અને ખાસ કરીને ભક્તજનો દ્વારા પુરુષોત્તમ ભગવાનની કથા તેમજ ધુન, સત્સંગના આયોજન સાથે પવિત્ર પરસોત્તમ માસનો પ્રારંભ કરાયો છે.
જામનગરની મધ્યમાં પંજાબ બેંક પાસે આવેલા ભગવાન પુરુષોત્તમજીના મંદિરમાં આજે સવારે ધ્વજારોહણ તેમજ ભગવાનને શણગાર કરવામાં આવ્યો હતો, અને ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.
આ ઉપરાંત જામનગરમાં ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિની વાડીમાં પુરુષોત્તમ ભગવાનજીનું પૂજન તેમજ મંડપ કરવામાં આવ્યો હતો. ત્યાં પણ બહોળી સંખ્યામાં ભાવિક ઉપસ્થિત રહ્યા હતા, અને પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમ યોજાયા હતા.
જામનગરના હવાઈ ચોક નજીક આવેલા શહેરના અતિ પુરાતન એવા પરસોત્તમ ભગવાનજીના મંદિરે પણ આજે વહેલી સવારથી ભાવિકો દ્વારા દર્શન માટેની કતાર લગાવવામાં આવી હતી, અને મહાઆરતી સહિતના કાર્યક્રમ યોજાયા હતા. સમગ્ર પુરુષોત્તમ માસ દરમિયાન મંદિર પરિસરને ઝળહળતી રોશની થી સજ્જ બનાવવામાં આવ્યું છે.


