જામનગરમાં ધબકતું થયું જનજીવન: બજારમાં ભીડ, રસ્તા પર ટ્રાફિક જામ
- જિલ્લાનો ગ્રીન ઝોનમાં સમાવેશ થતા વેપાર ધંધાના શ્રીગણેશ
- શહેરમાં તમામ પોઈન્ટ ઉપર પોલીસ તૈનાત
મોંઢા ઉપર માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગના નિયમોની થઈ ઐસીતૈસી
જામનગર, તા. 4 મે, 2020 સોમવાર
જામનગર શહેરને આખરે ગ્રીન ઝોનમાં સમાવી લેતાં જામનગર જીલ્લાનું જનજીવન ધબકતું થયું છે. જામનગર શહેરમાં વહેલી સવારથી જ લોકોની અવરજવર જોવા મળી હતી. તેમજ વાહનો પણ દોડતા થઇ ગયા હતા. સાથોસાથ વેપારીઓની દુકાનો પણ ખુલી જવાથી વેપારીઓમાં ભારે ચહલપહલ જોવા મળી હતી. જામનગર ની તમામ પોઇન્ટ પર પોલીસ તંત્ર તૈનાત હતા.
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ૨૧ દિવસના સમયગાળા દરમિયાન એક પણ પોઝિટિવ કેસ આવ્યો ન હોવાથી આખરે વહીવટી તંત્ર દ્વારા જિલ્લાને ગ્રીન ઝોનમાં સમાવી લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર દ્વારા આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યા પછી આજે સવારથી લોક ડાઉન- ૩ ના સમયગાળા દરમિયાન જનજીવન ધબકતું થયું છે. જામનગર શહેરના આવશ્યક ચીજવસ્તુઓના વેપારીઓને સવારે ૭ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી અને અન્ય વેપારીઓ કે જેઓએ પોતાના વેપાર-ધંધા સવારે ૧૦ વાગ્યાથી સાંજે સાત વાગ્યા ખુલ્લી રાખો માટે ની ગાઈડલાઈન જારી કરાયા પછી મોટા ભાગના વેપારીઓ એ આજે પોતાના વેપાર-ધંધા શરૂ કર્યા છે. જેના કારણે વેપારીઓમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે. શહેરના મોટાભાગના વિસ્તારો આજે ખુલી ગયા છે.
આ ઉપરાંત લોક ડાઉન વન અને ટુ ના સમયગાળા દરમિયાન મોટાભાગના લોકો ઘર કેદ હતા તે લોકો પણ આજે બહાર નીકળેલા જોવા મળ્યા છે. અને વાહનોની સંખ્યા પણ વધુ જોવા મળી રહી છે.
રીક્ષા સહિતના વાહનો પણ જામનગર શહેર અને જિલ્લામાં ફરતા થઈ ગયા છે. પોલીસ તંત્ર દ્વારા તમામ જગ્યાએ ચેકિંગની પ્રક્રીયા અવીરત ચાલુ રાખવામાં આવી છે. જોકે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોની ૅઐસીતૈસી કરતા લોકો દ્વારા કરાઈ હતી.
જામનગરના લોકોને ઘણઆ સમયથી કેટલીક ચીજવસ્તુઓ મળી ન હતી. જે ચીજવસ્તુઓ લેવા માયે પણ આજે લોકોનો ઘસારો જોવા મળી રહ્યા છે. લોક ડાઉનના લાંબા સમયગાળા પછી આજે જનજીવન ધબકતું થઈ જતા લોકોમાં નવો સંચાર જોવા મળી રહ્યો છે.