જામનગર નજીક દરેડ વિસ્તારમાં મૃત બાળકને તરછોડી દેનાર માતાને પોલીસે શોધી કાઢી
image : Freepik
અપરણીત પર પ્રાંતિય યુવતીને અધૂરા માસે મૃત બાળક જન્મ્યું હોવાથી નિર્જન સ્થળે ફેંકી દીધું હોવાની કબુલાત
જામનગર,તા.11 સપ્ટેમ્બર 2023,સોમવાર
જામનગર વિસ્તારમાંથી રવિવાર સવારે એક નવજાત બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું. પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ બાળકને ત્યજી દેનાર માતાને શોધી કાઢી છે, અને તેણીએ અધુરા માસે મૃત બાળકને જન્મ આપ્યા પછી તરછોડી દીધો હોવાની કબુલાત આપી છે. પોતાના વતન ઉત્તર પ્રદેશમાં પડોશો સાથે પ્રેમ સંબંધના કારણો ગર્ભ રહી ગયો હોવાનું અને અધૂરા માંસે મૃત બાળક જન્મ્યું હોવાથી ત્યજી દીધું હોવાનું કબુલ્યું છે.
જામનગર દરેડ વિસ્તારમાંથી એક નવજાત શીશુ મૃત હાલતમાં મળી આવ્યું હતું. આ બનાવની જાણ થતાં પંચકોશી બી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ બનાવના સ્થળે દોડી ગયો હતો. અને મૃત બાળકનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે બાળકને ત્યજી દેનાર માતાને શોધવા માટે દરેડ વિસ્તારમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જે દરમિયાન દરેડ વિસ્તારમાં પરપ્રાંતીય અપરણીત યુવતીને શોધી કાઢી હતી. જે ગર્ભવતી બની હતી, અને પાંચ માસનો ગર્ભ રહી ગયો હતો. પરંતુ ગત મોડી રાત્રે તેણીને ગર્ભ પાત થઈ ગયો હતો, અને મૃત બાળક જન્મ્યો હોવાથી તેને પરિવાર લઈને દરેડના નિર્જન વિસ્તારમાં જઈ કચરામાં ફેંકી દીધું હતું. પોલીસ દ્વારા યુવતીની પૂછપરછ કરાયા પછી તેને રક્તસ્ત્રાવ થઈ રહ્યો હોવાથી સારવારની જરૂર હોવાના કારણે તેણીને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડી છે, અને ગાયનેક વિભાગમાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં પરપ્રાંતિય 19 વર્ષની અપરણિત યુવતી કે જે ત્રણેક માસ પહેલા જામનગર નજીક દરેડમાં રહેવા માટે આવી હતી, અને ઉત્તર પ્રદેશમાં પોતાના વતનમાં અન્ય એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો, અને બંને લગ્ન કરવાના હતા. પરંતુ બંને વચ્ચે વીખવાદ થયો હતો, અને તેના પ્રેમી એ તરછોડી દીધી હોવાથી પરીવાર સાથે જામનગર આવી ગઈ હતી, અને તેણીને પાંચ માસનો ગર્ભ રહ્યો હતો. દરમ્યાન પરમદીને મોડી રાત્રે જાજરૂ જતી વખતે તેણીને ગર્ભપાત થઈ ગયો હતો, અને મૃત બાળક જન્મ્યું હતું. જે સમગ્ર મામલે પંચકોશી બી. ડિવિઝનના એ.એસ.આઇ. ડી.સી. ગોહિલ વધુ તપાસ ચલાવે છે.