જામનગર જિલ્લામાં વીજ બિલ નહીં ભરનારા 1665 લોકોના વીજ જોડાણ PGVCLએ કટ કરી નખાયા
- જિલ્લામાં હજુ 16,681 બાકીદારો પાસેથી રૂપિયા 5 કરોડ 57 લાખની વિજ બિલના નાણાંની વસૂલાત બાકી
જામનગર,તા. 07 માર્ચ 2023,મંગળવાર
જામનગર પીજીવીસીએલ કચેરી દ્વારા છેલ્લા એકાદ માસથી વીજ બિલ નહીં ભરનારા તત્વો સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે 1665 બાકીદારોના વીજ જોડાણ કટ કરી નાખવામાં આવ્યા છે.
જ્યારે હજુ પણ 26,682 બાકીદારો પાસેથી રૂપિયા 5.57 કરોડની રિકવરી બાકી છે, જે બાકી વિજબીલના નાણાં ભરપાઈ કરવા વીજતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
જામનગર પીજીવીસીએલ તંત્ર દ્વારા માર્ચ મહિનાની પૂર્ણતા પહેલાં બાકી વીજ બીલના નાણાં વસૂલવા માટેની રિકવરી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત અંદાજે રૂપિયા 2 કરોડ 70 લાખનું વિજ બિલ નહીં ભરનારા કુલ 1665 ગ્રાહકોના વીજ જોડાણો કટ કરી નાખવામાં આવ્યા છે.
વીજ તંત્ર દ્વારા 31 માર્ચને અનુલક્ષીને બાકી રોકાતા વીજબિલના નાણા વસૂલવા માટેની અલગ-અલગ ટીમો બનાવીને વસુલાતની કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે 150 થી વધુ કર્મચારીઓ મેદાનમાં ઉતર્યા છે.
હાલમાં વિવિધ તંત્ર પાસે 10,0308 ગ્રાહકો છે, અને તેઓના કુલ 43.58 કરોડના નાણા ભરપાઈ કરવાના બાકી હતા, જેની સમગ્ર ફેબ્રુઆરી માસમાં રિકવરી કરવામાં આવ્યા પછી હવે 16,681 ગ્રાહકો પાસેથી પાંચ કરોડ 57 લાખની વસુલાત કરવાની બાકી રહે છે. જે બાકી રોકાતી રકમ તાકીદે ભરપાઈ કરવા વીજતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.