જામજોધપુર: વાનાવડ પાટીયા પાસે મુખ્ય માર્ગ સીલ કરી દેવાતા પેટ્રોલના ટેન્કરો અટવાયા
- તાલુકામાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાઇ હોવાથી વહીવટીતંત્ર સમક્ષ રજૂઆત
જામજોધપુર, તા. 10 મે 2020, રવિવાર
જામજોધપુર તાલુકાના વાનાવડ પાટીયા પાસે લોક ડાઉન ને લઈને મુખ્ય માર્ગ સીલ કરી દીધો હોવાથી પેટ્રોલ ડીઝલના ટેન્કરો અટવાઈ પડ્યા છે. અને જામજોધપુર તાલુકામાં આવેલા પેટ્રોલ પંપ સુધી પેટ્રોલ અને ડિઝલનો જથ્થો પહોંચાડી શકાય તેમ ન હોવાથી હાલ સમગ્ર તાલુકામાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાઇ છે. જે મામલે વહીવટી તંત્ર સમક્ષ પેટ્રોલ-ડીઝલ એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
જામજોધપુર તાલુકાના વાનાવળ ના પાટીયા પાસે હાલ લોકડાઉન ના કારણે તંત્ર દ્વારા રોડ રસ્તા સદંતર બંધ કરી દેતા જામજોધપુર તાલુકા તેમજ ઉપલેટા, પાનેલી વગેરે વિસ્તારમાં આવતા પેટ્રોલ ડીઝલના ટેન્કર વાનાવળ ના પાટીયા પાસે અટવાઈ પડ્યા છે.
જે ટેન્કરો અટવાઇ જતાં હાલ પેટ્રોલ-ડીઝલ આ વિસ્તારમાં આવી ન શકતા અછત સર્જાઈ છે. અને સરકારી વાહનોમાં પણ પેટ્રોલ-ડીઝલ આપવું મુશ્કેલ થઈ પડ્યું હોય હાલ પેટ્રોલ-ડીઝલનો જથ્થો ખલાસ થઈ ગયો છે.જેથી કરીને પેટ્રોલ-ડીઝલ એસોસિએશન દ્વારા કલેકટર ને તેમજ પુરવઠા અધિકારીને લેખિત રજૂઆત કરી યોગ્ય કરવા વિનંતી કરી છે.