જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીમાં આંશિક રાહત: ભેજ અને પવન ઘટ્યો

જામનગર, તા. 29 નવેમ્બર 2021 સોમવાર
જામનગર શહેર અને જિલ્લામાં ગઈ કાલે રાત્રિથી ઠંડીમાં આંશિક રાહત જોવા મળી છે. ઠંડીનો પારો બેથી ત્રણ ડિગ્રી પરત ફર્યો હોવાથી ઠંડી ઘટી છે. સાથોસાથ વહેલી સવારે ભેજનું પ્રમાણ ઘટ્યું છે, અને પવન માં પણ રાહત અનુભવાઇ છે.
જામનગર શહેર અને જિલ્લામાં બે દિવસ પહેલા ઠંડીનો પારો નીચે સરકીને 16 ડિગ્રીની આસપાસ રહ્યો હતો, પરંતુ ગઈકાલે રાત્રીથી તેમાં થોડી રાહત જોવા મળી હતી. અને આજે સવારે ઠંડીનો પારો 18.5 ડિગ્રી સુધી ઉપર પરત ફર્યો હોવાથી આંશિક રાહત જોવા મળી હતી. સાથોસાથ ભેજના પ્રમાણમાં પણ ઘટાડો નોંધાયો છે .જેથી વહેલી સવારે ઝાકળ માંથી પણ થોડી મુક્તિ મળી છે.
છેલ્લા બે દિવસથી પવનની તીવ્રતામાં પણ ઘટાડો નોંધાયો છે, અને માત્ર દસથી બાર કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. જોકે આગામી દિવસોમાં વાતાવરણના બદલાવ આવવા ના કારણે ઠંડીનું જોર વધે તેવી આગાહી કરવામાં આવી છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 18.5 ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન 30 ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 59 ટકા રહ્યું હતું. જયારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના દસથી બાર કિ.મી.ની ઝડપે રહી હતી.

