જામનગરના અનેક વિસ્તારોને ડિસઇન્ફેકશન કરવા કામગીરી
- પોઝીટીવ કેસો વધતા તંત્ર થયું દોડતું
જામનગર, તા. 09 મે 2020, શનિવાર
જામનગર શહેરના સંખ્યાબંધ દર્દીઓના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જેને લઇને જામનગર શહેરના આઠથી વધુ વિસ્તારોમાં જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટુકડીઓને દોડતી કરવામાં આવી છે. ઉપાય ફાયર શાખા અને સોલિડવેસ્ટ શાખા દ્વારા ડીશ-ઇન્ફેક્શનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. મોડી રાત્રી સુધી સેનીટા ઇઝેશનની પ્રક્રિયાઓ ચલાવવામાં આવી હતી.
આરોગ્ય શાખાની ૯૦ ટુકડીઓ દ્વારા ડોર ટુ ડોર સર્વેઃ સાથોસાથ સફાઇ કાર્ય પણ શરૂ
જામનગર શહેરના ગાંધીનગર વિસ્તાર, નવાગામ ઘેડ, રણજીત રોડ ગુલાબ નગર, સત્ય સાઈ નગર, દિગ્જામ સર્કલ સહિતના વિસ્તારોમાં સેનિટાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સાથોસાથ સફાઈ કાર્ય આરંભી દેવાયું હતું. આસપાસના ઘરો માં આરોગ્યની ટુકડીઓ પણ દોડતી કરી દેવામાં આવી છે.
જે વિસ્તારોમાં કોરોના સંક્રમિત દર્દીઓના નિવાસ્થાન આવેલા છે. તે તમામ એરિયાને સીલ કર્યા પછી આરોગ્ય વિષયક કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
કોરોના પોઝિટિવ દર્દીના રહેણાંક મકાન તેમજ આસપાસના સમગ્ર વિસ્તારને સેનિટાઈઝડ કરાયો હતો. શહેરના જુદા જુદા ૮ વિસ્તારોમાં આવી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. જે રાત્રીભર ચાલી હતી.
આ ઉપરાંત સફાઇ કર્મચારીઓની ટુકડીઓને પણ તમામ વિસ્તારોમાં ઉતારી દઇ સફાઈ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની અલગ-અલગ ૯૦થી વધુ ટુકડીઓને દોડતી કરી દેવામાં આવી છે. અને તમામ વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી રહ્યું છે. જે કામગીરી ગઈકાલે રાત્રે કરાઈ હતી અને આજે પણ વહેલી સવારથી જ શરૂ કરી દેવામાં આવી છે.