app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક વધુ એક ગોઝારો અકસ્માત સર્જાતાં એકનુ મોત

Updated: Aug 15th, 2023

image : Freepik

- સ્કૂટર પર જઈ રહેલા ધ્રોળના પિતા- પુત્રને કારચાલકે હડફેટમાં લેતાં પુત્રનું ઘટના સ્થળે મૃત્યુ: પિતા ગંભીર હાલતમાં સારવાર હેઠળ

- વૃદ્ધ પિતાને પેટમાં દુ:ખાવો ઉપડતાં પુત્ર દ્વારા સ્કૂટર પર સારવાર માટે લઈ જતી વખતે નડ્યો અકસ્માત

 જામનગર,તા.15 ઓગષ્ટ 2023,મંગળવાર

જામનગર- રાજકોટ ધોરીમાર્ગ  ફરી રક્ત રંજીત બન્યો છે. ધ્રોળ નજીક કાર અને સ્કૂટર વચ્ચેના અકસ્માતમાં સ્કૂટર સવાર ધ્રોળના પિતા-પુત્ર ને ગંભીર ઇજા થવાથી પુત્રનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નિપજ્યું છે. જ્યારે કુટરમાં પાછળ બેઠેલા તેના વૃદ્ધ પિતા ગંભીર સ્વરૂપે ઘાયલ થયા છે. જેને હાલત પણ ગંભીર ગણાવાઇ રહી છે. સમગ્ર મામલે ધ્રોળ પોલીસ વધુ તપાસ ચલાવે છે.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોલમાં રહેતા છગનભાઈ પરમાર (ઉંમર વર્ષ 75) કે જેઓને પોતાના ઘેર પેટમાં દુ:ખાવો ઉપડ્યો હોવાથી તેના પુત્ર ધીરજલાલ છગનભાઈ પરમાર (૩૭) કે જે પોતાના સ્કૂટર પર વૃદ્ધ પિતાને બેસાડીને પોતાના ઘરેથી નીકળી ધ્રોળના દવાખાને જઈ રહ્યા હતા.

 જે દરમિયાન જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક સોમવારે સાંજે પુરપાટ વેગે આવી રહેલી રાજકોટ પાસિંગની જીજે-3 ઇ.સી. 6322 નંબરની કારના ચાલકે જીજે-10 ડી.જી.8264 નંબરના સ્કૂટરને ઠોકર મારી દેતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

 જે અકસ્માતમાં સ્કૂટર સવાર ધીરજલાલ છગનભાઈ પરમારનું ગંભીર ઈજા થવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું. ભારે રક્ત સ્ત્રાવ થઈ જવાના કારણે તેનો ભોગ લેવાયો હતો.

 આ ઉપરાંત તેમની સાથે જ પાછળ બેઠેલા તેઓના વૃદ્ધ પિતા છગનભાઈ પરમાર કે જે ગંભીર સ્વરૂપે ઘાયલ થયા હતા. જેઓને સૌ પ્રથમ 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે રાજકોટ ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં તેઓની તબિયત લથડી હોવાથી વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અને તેઓની હાલત પણ ગંભીર ગણાવાઈ રહી છે.

 આ અકસ્માતના બનાવની જાણ થતાં ધ્રોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને સમગ્ર અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતક ધીરજલાલ પરમારના પુત્ર રાહુલ પરમારની ફરિયાદના આધારે કારચાલક સામે ગુનો નોંધ્યો છે.

 કારચાલક અકસ્માત સર્જી કારને છોડીને ભાગી છૂટ્યો હોવાથી પોલીસ તેને શોધી રહી છે, જયારે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી.

Gujarat