જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં ખાનગી સિક્યુરિટી ગાર્ડ પર હુમલો: પાડોશીને પણ માર પડ્યો
- સિક્યુરિટી ગાર્ડની નોકરી છોડી દેવાનું કહેતાં સિક્યુરિટી સંચાલક સહિત ચાર શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ
જામનગર,તા.21 ડિસેમ્બર 2022,મંગળવાર
જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતા અને ખાનગી સિક્યુરિટીગાર્ડ તરીકે નોકરી કરતા એક યુવાન પર સિક્યુરિટીના સંચાલક સહિત ૪ શખ્સોએ છરી વડે હુમલો કરવા અંગેની તેમજ છોડાવવા માટે આવેલા પાડોશી યુવાન પર પણ હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતા અને સ્વામિનારાયણ મંદિરમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા વિજયભાઈ વિઠ્ઠલભાઈ ઓડીચે પોતાના ઉપર હુમલો કરી છરી વડે ઈજા પહોંચાડવા અંગે તેમજ પોતાને છોડાવવા માટે આવેલા પાડોશી ખેરાજભાઈ ઉપર પણ હુમલો કરવા અંગે સિક્યુરિટી એજન્સીના સંચાલક ક્રિષ્નરાજસિંહ ભરતસિંહ જાડેજા, મયુર પૂનાતર, શક્તિસિંહ પરમાર અને બલરાજસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર વિજયભાઈ કે જેણે સિક્યુરિટી ગાર્ડની નોકરી છોડી દેવી હોવાથી તેના સંચાલકોને વાત કરતાં ઝઘડો થયા પછી આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. સમગ્ર મામલે સિટી એ. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.