- ઘુતારપર ગામના એક દંપતીએ વીજ અધિકારી સાથે ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસ ફરિયાદ
જામનગર, તા. 25
જામનગર તાલુકાના ગામમાં વીજ ચેકિંગ માટે ગયેલા ધ્રોલ પીજીવીસીએલની કચેરીના એક અધિકારી સાથે સ્થાનિક દંપતીએ વીજચેકિંગની કાર્યવાહી દરમિયાન ઝપાઝપી કરી વિજ ચેકીંગ કરવા દીધું ન હતું, અને ફરજ મા રૂકાવટ કર્યાની ફરિયાદ પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઈ છે. પોલીસે દંપતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોલમાં રહેતા અને ધ્રોલ પીજીવીસીએલમાં ફરજ બજાવતા જીતેન્દ્રભાઈ અશોકભાઈ રાજા નામના જુનિયર ઇજનેર ગઈકાલે સવારે જામનગર તાલુકાના ધુતારપર ગામના નિષ્ઠા નગરી વિસ્તારમાં ચેકિંગ કરવા માટે પહોંચ્યા હતા, અને ત્યાં રહેતા રસિકભાઈ વિઠ્ઠલભાઈ ભંડેરી ના રહેણાક મકાનમાં વીજચેકિંગની કાર્યવાહી કરવા ગયા હતા.
જે દરમિયાન મકાનમાલિક રસિકભાઈ અને તેના પત્ની ઇલાબેન વગેરેએ વીજ અધિકારી સાથે સૌ પ્રથમ જીભાજોડી કરી હતી, ત્યાર પછી ઝપાઝપી કરી ઇજા પહોંચાડી હતી. તેમજ ચેકિંગની કાર્યવાહી કરવા આપી ન હતી, અને ફરજમાં રૂકાવટ પેદા કરી હતી.
જેથી વીજ ચેકીંગ ટુકડી પાછી ફરી હતી, અને જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં રસિક ભંડેરી અને તેના પત્ની ઇલાબેન સામે ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.


