જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના ભાઈ પર કાજૂરડા ગામ પાસે હુમલો
- ધારાસભ્ય તથા શહેર ભાજપના અગ્રણીઓ અને રાજપૂત સમાજના આગેવાનો સહિતનાઓ ખાનગી હોસ્પિટલ દોડી આવ્યા
- તબીબ દ્વારા તાત્કાલિક સારવાર પછી હાલ તેઓને ભયમુક્ત જાહેર કરાયા: ખંભાળીયા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવા તજવીજ
જામનગર, તા. 7,
જામનગર શહેરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ના ભાઈ પર સમોવારે બપોરે ઝાખર અને કજૂરડા ગામ પાસે કેટલાક શખ્સોએ હુમલો કરી માથામાં ગંભીર ઈજા પહોંચાડી હતી. આથી તેઓને લોહી લુહાણ હાલતમાં જામનગરના ખાનગી દવાખાનામાં ખસેડવામાં આવ્યા છે. તેઓનું સિટી સ્કેન કરાયા પછી માથામાં ટાંકા લેવા પડયા છે. હુમલામાં સામાપક્ષના પણ ત્રણેક પૈકી એક યુવાનને ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
જામનગરના ધારાસભ્ય અને પૂર્વ રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજા (હકુભા)ના ભાઈ રાજભા જાડેજા પર આજે બપોરે ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીકના ઝાખર અને કજૂરડા ગામ પાસે હુમલો થયો હતો. કોઈ બાબતથી ઉશ્કેરાયેલા સીંગચ અને ઝાખર ગામના શખ્સોએ રાજભા પર હુમલો કર્યો હતો. જેના કારણે માથામાં ઈજા પામેલા રાજભાને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગર ખસેડાયા છે.
જામનગરમાં એક ખાનગી ક્લિનિકમાં લઈ જવાયેલા રાજભાને ચકાસણી માટે સિટી સ્કેન કરવાનો અભિપ્રાય અપાતા તેઓને અન્ય ક્લિનિકમાં સિટી સ્કેન માટે ખસેડાયા પછી માથામાં થયેલી તેઓની ઈજાના કારણે ટાંકા લેવા પડયા છે.
ઉપરોકત બનાવની જાણ થતાં ક્લિનિક પર ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ ઉપરાંત જામનગર શહેરના ભાજપના અન્ય હોદ્દેદારો, કોર્પોરેટરો સાથોસાથ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો હોદ્દેદારો વગેરે સહિત રાજકીય આગેવાનો, ક્ષત્રિય સમાજના આગેવાનો અને રાજભાના મિત્રો દોડી આવ્યા હતા. પોલીસ કાફલો પણ દોડી ગયો હતો.
ઉપરોક્ત બનાવની ફરીયાદ નોંધવા માટે તજવીજ કરવામાં આવી રહી છે. ખંભાળિયાની એક પોલીસ ટુકડી જામનગર આવી પહોંચી હતી, અને રાજભા જાડેજા ની ફરિયાદના આધારે ઝીરો નંબરથી ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.