Get The App

જામનગરના અલીયા બાડા ગામમાં પ્રેમ પ્રકરણમાં 80 વર્ષના વયોવૃદ્ધ પર ખૂની હુમલો

- પ્રેમલગ્ન કરનાર શખ્સ અને તેના ભાઈ સહિતના શખ્સોએ વયોવૃદ્ધ પર હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા

- હુમલાખોર આરોપીઓ કાર મારફતે રાજકોટ તરફ ભાગ્યા હોવાથી પોલીસે તપાસનો દોર રાજકોટ લંબાવ્યો

Updated: Dec 1st, 2021

GS TEAM

Google News
Google News
જામનગરના અલીયા બાડા ગામમાં પ્રેમ પ્રકરણમાં 80 વર્ષના વયોવૃદ્ધ પર ખૂની હુમલો 1 - image

જામનગર, તા. 1 ડિસેમ્બર 2021 બુધવાર

જામનગર તાલુકાના આલિયા બાડા ગામમાં રહેતા 80 વર્ષના બુઝુર્ગ ઉપર પ્રેમ પ્રકરણના કારણે મંગળવારના રોજ જીવલેણ હુમલો કરાયો છે. પ્રેમ લગ્ન કરનાર શખ્સ અને તેના ભાઈ સહિતના શખ્સોએ કારમાં આવી ધોકા-પાઇપ વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા હતા, અને ખૂનની કોશિશ કરી છે. આરોપીઓ રાજકોટ તરફ ભાગી છૂટયા હોવાથી પોલીસ ટુકડીએ તપાસનો દોર રાજકોટ તરફ લંબાવ્યો છે.

જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં રહેતા સુખાભાઈ કચરાભાઈ બરબચીયા નામના 80 વર્ષના બુઝુર્ગે પોતાના ઉપર ધોકા પાઈપ જેવા હથિયારો વડે ખૂની હુમલો કરી હાથ પગ ભાંગી નાખવા અંગે અને પતાવી દેવાની ધમકી આપવા અંગે લિયા બાડા ગામમાં જ રહેતા જીતુ ઉર્ફે જીતિયો નાગદાનભાઈ મકવાણા, આશિષ ઉર્ફે આસલો નાગદાનભાઈ મકવાણા અને તેના સાગરિતો સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે ઇજાગ્રસ્ત વયોવૃદ્ધને ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેઓના સંખ્યાબંધ ઓપરેશન કરવામાં આવી રહ્યા છે.

આ બનાવ અંગેની જાણ થતાં પંચકોશી એ ડિવિઝનના પીએસઆઇ તેમની ટીમ સાથે બનાવના સ્થળે તેમજ જીજી હોસ્પિટલે દોડી ગયા હતા, અને તમામ આરોપીઓ સામે આઇપીસી કલમ 307, 325, 324 સહિતની જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધ્યો છે, અને આરોપીઓ રાજકોટ તરફ કાર મારફતે ભાગ્યા હોવાથી પોલીસની એક ટુકડી રાજકોટ પહોંચી ગઈ છે, અને એક આરોપીને સકંજામાં લઇ લીધો હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દરમિયાન ફરિયાદી સુખાભાઈની પૌત્રીનું આજથી 10 મહિના પહેલા અપહરણ થઈ ગયું હતું, અને આરોપી આશિષ નાગદાનભાઈ મકવાણા તેણીને ઉઠાવી ગયો હતો, અને પ્રેમ લગ્ન કરી લીધા હતા. જે મામલે બંને પરિવારો વચ્ચે મનદુઃખ ચાલતું હોવાથી સુખાભાઈ ના પરિવાર દ્વારા આરોપીઓ ઉપર હુમલો કરાયો હતો. જેનું મનદુખ રાખી ને ગઇકાલે મોડી રાત્રે તમામ આરોપીઓએ જીવલેણ હુમલો કરી દીધો હોવાનું જાહેર થયું છે. જે તમામને પોલીસ શોધી રહી છે.