- દારૂના કેસમાં અદાલત સમક્ષ હાજર થયા પછી પોલીસ પૂછપરછ દરમિયાન સીટી એ. ડીવીઝન પોલીસ મથકમાં હંગામો મચાવી પોતાનું માથું દીવાલ માં અથડાવ્યું
- હાથમાં રહેલી હાથકડી વડે પી.આઇ. પર હુમલો કરી દેતાં એક આંગળીમાં ફ્રેકચર થયું: બીજા હાથમાં ઇજા: પોલીસે ગુનો નોંધ્યો
જામનગર, તા. 26
જામનગરના સીટી એ. ડીવીઝન પોલીસ મથકમાં ગઈકાલે એક દારૂ ના ધંધાર્થીએ હંગામો મચાવી પોતાનું માથું દીવાલ માં અથડાવ્યું હતું, જ્યારે પોતાના હાથમાં પહેરેલી હાથકડી વડે સીટી એ. ડિવિઝનના પીઆઈ ઉપર હુમલો કરી દેતાં પોલીસ ઇન્સ્પેક્ટર ના એક હાથની આંગળીમાં ફ્રેકચર થયું છે, જ્યારે બીજા હાથમાં ઈજા થઈ છે. જે મામલે પોલીસ ફરજમાં રૂકાવટ અંગેનો બુટલેગર સામે વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ ઇન્સ્પેકટરને તેમજ બુટલેગર બંનેને સારવાર અપાઇ છે. આ બનાવને લઇને પોલીસ બેડામાં ભારે ચકચાર જાગી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રણજીતસાગર રોડ પર પ્રણામીનગર વિસ્તારમાં રહેતા અને દારૂનો ધંધો કરતા મહાવીરસિંહ દેવાજી જાડેજા, કે જેની સામે અગાઉ એક થી વધુ વખત ઇંગ્લિશ દારૂ અંગે ગુના નોંધાયા છે, અને દારૂના કેસમાં ફરાર હોવાથી પોલીસ તેને શોધી રહી હતી. દરમિયાન પોલીસ મારકૂટ કરશે તેવી દહેશત વ્યક્ત કરીને પોતે અદાલત સમક્ષ હાજર થયો હતો.
જેથી અદાલત દ્વારા મેડિકલ તપાસણી કરાવ્યા પછી આરોપીનો કબજો સીટી એ. ડીવીઝન પોલીસ મથકના સોંપી દીધો હતો. જેથી સીટી એ ડીવીઝનના પી.આઇ. એમ. જે. જલૂ , પી.એસ.આઇ એમ. વી. મોઢવાડિયા, ઉપરાંત ડી. સ્ટાફના સાજીદ ભાઈ રફિકભાઈ બેલીમ, અને યોગેન્દ્રસિંહ નિરૂભા સોઢા વગેરે દ્વારા સર્વેલન્સ રૂમમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી હતી.
તે દરમિયાન આરોપી એ હંગામો મચાવી પોતાનું માથું દીવાલ સાથે પછાડયું હતું, તેમ જ હાથમાં પહેરેલી હાથકડી પણ માથામાં પછાડી પોતાને ઘાયલ કર્યો હતો.
જેથી તેને લોહી નીકળ્યું હતું, આ ઉપરાંત તેની પૂછપરછ કરી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે.જલૂ ના હાથમાં હાથકડી ફટકારી દીધી હતી. જેથી પોલીસ ઇન્સ્પેકટરને જમણા હાથની એક આંગળી ફેક્ચર થઈ ગયું હતું, ઉપરાંત ડાબા હાથમાં પણ ઇજા કરી હતી, જેથી તેઓને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લેવી પડી હતી.
આ ઉપરાંત આરોપી પણ ઈજાગ્રસ્ત થયો હોવાથી તેને પોલીસ પહેરા હેઠળ સારવાર અપાઈ હતી.
આ બનાવ અંગે પોતાની ફરજ મા રૂકાવટ કરવા અંગે તેમજ હુમલો કરવા અંગે પોલીસ ઇન્સ્પેક્ટર મહાવીરસિંહ જબ્બરભાઈ જલૂ એ આરોપી મહાવીરસિંહ જાડેજા સામે જાતે ફરિયાદી બની પોતાની ફરજમાં રૂકાવટ કરવા અંગેની કલમ 334 ઉપરાંત 323 અને જી. પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરાયો છે.
આ મામલે પોલીસ તંત્રમાં જાણ થતાં ભારે દોડધામ થઈ છે. ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા નીતીશ કુમાર પાંડે પણ સમગ્ર ઘટના અંગે નું નિરીક્ષણ કર્યું હતું. તેમજ સમગ્ર મામલે અદાલત સમક્ષ રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે.


