Get The App

જામનગર જીલ્લાના નવ-નિયુક્ત એસ.પી. દ્વારા જિલ્લાના પોલીસતંત્રમાં ધરખમ ફેરફારો કરાતાં પોલીસ બેડામાં ભારે ખળભળાટ

Updated: Sep 29th, 2020

GS TEAM

Google News
Google News
જામનગર જીલ્લાના નવ-નિયુક્ત એસ.પી. દ્વારા જિલ્લાના પોલીસતંત્રમાં ધરખમ ફેરફારો કરાતાં પોલીસ બેડામાં ભારે ખળભળાટ 1 - image


- જિલ્લાની મહત્વની ગણાતી LCB અને SOG ની જગ્યા પર પોતાના જ વિશ્વાસુ ગણાતા નવા નિમાયેલા બે PI ઉપરાંત નવા PSIની નિમણૂક કરાઈ
- જામનગર જિલ્લાના અન્ય સાત પોલીસ ઇન્સ્પેક્ટરોની સામૂહિક આંતરિક ફેરબદલીના હુકમથી પોલીસ બેડામાં સપાટો
- જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ને થાળે પાડવા માટે સ્પેશિયલ કેસમાં SP ની નિમણૂક પછી સમગ્ર પોલીસ તંત્રના ફેરફાર કરાતાં ભારે નવાજૂનીના એંધાણ


જામનગર, તા. 29 સપ્ટેમ્બર 2020, મંગળવાર

જામનગરના નવા જિલ્લા પોલીસ વડા તરીકે તાજેતરમાં જ હાજર થયેલા અમદાવાદ ક્રાઇમ બ્રાંચના IPS અધિકારી દીપેન ભદ્રનએ પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળ્યા પછી સૌપ્રથમ પોલીસ તંત્રમાં જ સાફ સૂફી કરવાનો નિર્ણય કર્યો છે, અને પોતાના જ અંગત વિશ્વાસુ ગણાય તેવા નવા વરાયેલા બે પોલીસ ઇન્સ્પેક્ટરને હાજર થયા પછી LCB SOGની જગ્યાએ ગોઠવી દીધા છે. ઉપરાંત 2 PSIની પણ જિલ્લાની મહત્વની ગણાતી LCB, SOG શાખા મા નિમણૂક આપી દેવામાં આવી છે. આ ઉપરાંત જામનગર જિલ્લાના જુદા જુદા પોલીસ મથકોમાં ફરજ બજાવતા અન્ય સાત પોલીસ ઇન્સ્પેક્ટરોની પણ સામૂહિક આંતરિક ફેરબદલી કરી દીધી છે. જિલ્લા પોલીસ વડાના નવા એક્શન પ્લાનને લઈને નજીકના ભવિષ્યમાં જ કોઇ નવાજુની થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાંચના IPS અધિકારી દીપેન ભદ્રનની જામનગરના નવા SP તરીકે નિમણૂક કરવામાં આવી છે, અને તેઓ ચાર દિવસ પહેલાં જ હાજર થયા છે, અને પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો છે. ત્યારે તેઓ હાજર થતાની સાથે જ એક્શન મોડમાં આવી ગયા છે. સૌપ્રથમ જામનગર જિલ્લાના પોલીસ તંત્રમાં જ સાફ-સફાઈ નો દોર હાથ ધર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા તેમના નિકટવર્તી ગણાતા બે પોલીસ ઈન્સ્પેકટર અને PSIની પણ બદલી કરવામાં આવી છે. જેઓ હાજર થતાં તેઓને પણ LCB SOG જેવી મહત્વની પોસ્ટ પર મુકી દેવામાં આવ્યા છે.

જિલ્લા પોલીસ વડા દ્વારા આજે જુદા જુદા બદલી અંગેના 2 હુકમો જારી કર્યા હતા, જેમાં આણંદ શહેરમાંથી જામનગર બદલી પામીને આવેલા પોલીસ ઇન્સ્પેક્ટર કે.જી.ચૌધરીની જામનગરની અતિ મહત્વની ગણાતી LCBમા નિમણૂક આપી દેવામાં આવી છે. જ્યારે SOG શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે સોરઠ પોલીસ કેન્દ્રમાંથી બદલી પામીને જામનગર હાજર થયેલા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ.નીનામાની નિમણૂક કરી દેવામાં આવે છે.

સાથોસાથ જામનગર જિલ્લાના સાત પોલીસ ઇન્સ્પેક્ટરની પણ સ્થાનિક આંતરિક ફેરબદલી કરી દેવામાં આવી છે. જેમાં LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. જે. જલુને સીટી A-ડીવીઝન પોલીસ મથકમાં નિમણૂક આપવામાં આવી છે. જ્યારે SOG શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર કે. એલ.ગાધેની નિમણૂક સિટી B-ડિવિઝન પોલીસ મથકમાં કરવામાં આવી છે. તે જ રીતે સીટી A- ડીવીઝનના PI એમ.આર ગોંડલિયાની સીટી-C ડિવિઝન પોલીસમથકમાં બદલી કરાઈ છે. જ્યારે સીટી-C ડિવિઝનના PI યુ.એચ. વસાવાને કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનનો હવાલો સોંપવામાં આવ્યો છે. તે જ રીતે કાલાવડ ટાઉનના પોલીસ ઇન્સ્પેક્ટર કે જે ભૉયે ને જામનગર ગ્રામ્યના PI તરીકે નિમણુંક અપાઇ છે. ઉપરાંત તેઓને સાયબર સેલનો પણ વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

આ ઉપરાંત જામનગર ગ્રામ્યના PI આર.બી ગઢવીની એરપોર્ટ સિક્યુરિટીના PI તરીકે બદલી કરાઈ છે, સાથોસાથ જામનગરના મહિલા પોલીસ સ્ટેશનનો પણ વધારોનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ બદલીઓ ઉપરાંત બે PSIની બદલી અંગેના પણ વિશેષ ઓર્ડર કાઢવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાંથી હાજર થયેલા PSI બી.એમ. દેવમુરારીને LCB ના નવા PSI તરીકેની નિમણૂક અપાઈ છે. ઉપરાંત જામનગર ગ્રામ્ય રીડર બ્રાન્ચમાં ફરજ બજાવતા PSI આર.વી. વીંછીને SOG શાખા બદલવામાં આવ્યા છે. ઉપરાંત કાલાવડ ટાઉનના PSI હિરલ પટેલને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં બદલી કરવામાં આવી છે.

જામનગર જિલ્લાના પોલીસ તંત્રમાં એકાએક ફેર બદલીઓના દોરને લઈને સમગ્ર પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. ઉપરાંત ટૂંક સમયમાં જ SP દ્વારા કોઈ નવો એક્શન પ્લાન ઘડવામાં આવે અને તે અંગેની કોઈપણ નવાજૂનીનાં એંધાણ વર્તાઇ રહ્યા છે. ગુનેગારો ઉપર સકંજો કસવા માટે સમગ્ર કવાયત હાથ ધરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Tags :