Get The App

નરારા-પોશીત્રા ટાપુ તેમજ ખીજડિયા પક્ષી અભયારણ્ય પણ કરાયા બંધ

- કોરોનાની દહેશત વચ્ચે હાલારના પર્યટન સ્થળો બંધ રાખવા નિર્ણય

- જામનગરમાં 7 સ્થળો ભરાતી ગુજરી બજારો બંધ કરાવાઇઃ બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને કરાયા સેનેટરાઇઝ

Updated: Mar 17th, 2020

GS TEAM

Google News
Google News
નરારા-પોશીત્રા ટાપુ તેમજ ખીજડિયા પક્ષી અભયારણ્ય પણ કરાયા બંધ 1 - image


જામનગર, તા.17 માર્ચ 2020, મંગળવાર

જામનગર જિલ્લામાં કોરોના વાયરસ હેઠળ શાળા-કોલેજો અને સિને ગ્રહો વગેરે બંધ કર્યા પછી હાલાર પંથકના પર્યટન સ્થળો પણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. નરારા ટાપુ, પોશીત્રા ટાપુ અને ખીજડીયા પક્ષી અભ્યારણ વગેરે પર્યટન સ્થળો ૨૯ માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે જામનગર શહેરમાં ૭ સ્થળોએ ભરાતી ગુજરી બજારો બંધ કરાવાઇ છે. આ ઉપરાંત શહેરની શાળાઓમાં ચાલી રહેલી ધો. ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને સેનીટરાઇઝ કરાયા હતા.

જામનગર જિલ્લા અને હાલાર પંથકના પર્યટન સ્થળો જેવા કે ખીજડીયા પક્ષી અભ્યારણ, નરારા ટાપુ, અને પોશીત્રા ટાપુ વગેરે પણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. અને આગામી ૨૯ માર્ચ સુધી તમામ પર્યટન સ્થળોમાં પ્રવેશ માટે બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.પર્યટન સ્થળોમાં જુદી જુદી શાળા-કોલેજોના પ્રવાસ કાર્યક્રમો અને વાઈડ લાઇફ તસવીરકારોની ટુર યોજાઇ હતી. જે પણ હાલ રદ કરી નાખવામાં આવી છે.

જામનગર શહેરમાં જુદી જુદી સાત જેટલી ગુજરી બજારો બંધ કરવાનો નિર્ણય કરાયો છે. રંગમતિ નદીના પટમાં ઉપરાંત હાથી કોલોની. મિગકોલની, રણજીતનગર, સાધનાકોલોની અને ગોકુલનગર સહિતના જુદા જુદા સાત વિસ્તારોમાં અલગ અલગ દિવસોએ ગુજરી બજાર ભરાઇ છે, અને તમામ સ્થળોએ અનેક લોકો એકત્ર થાય છે. જે તમામ સ્થળો પર ભરાતી ગુજરી બજાર કોરોના વાયરસની દહેશતના પગલે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસ્ટેટ શાખા દ્વારા તમામ ગુજરી બજારો બંધ કરાવવામાં આવી રહી છે. અને ધંધાર્થીઓને જગ્યા ખાલી કરવામાં આવી રહી છે.

 જામનગરની હરિયા સ્કૂલ માં ચાલી રહેલી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા દરમિયાન આજે સવારે પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓને સૌપ્રથમ શાળાના સ્ટાફ દ્વારા સેનિટાઈઝર લિકવિડ વડે પ્રત્યેકના હાથ સાફ કરાવવામાં આવ્યા હતા. અને શાળાનો તમામ સ્ટાફ માસ્ક પહેરીને હાજર રહ્યો હતો.

Tags :