જામનગર: દારૂ પી પરિવાર સાથે ઝગડા કરતા પુત્રની પિતા દ્વારા હત્યા
- ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામે
- મોઢા ઉપર મુક્કા મારી ગળેટુંપો દઇ ઢીમ ઢાળી દીધું
જામનગર, તા.10 એપ્રિલ 2020, શુક્રવાર
ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામમાં ગઇરાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. પિતાએ જ પોતાના સગા પુત્રનું ગળેટૂંપો દઈ ખૂન કરી નાખ્યા નો કિસ્સો બહાર આવતાં ભારે ચકચાર જાગી છે. પુત્ર દારૂ પીને અવારનવાર પરિવાર સાથે ઝઘડા કરતો હોવાથી રોષે ભરાયેલા પિતાએ પુત્રને મારમારી ગળેટૂંપો દઇ મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી પિતાની ધરપકડ કરી લીધી છે.
ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામમાં રહેતા અને ખેતીકામ કરતા ક્રિપાલસિંહ ઉર્ફે કાનો ચંદુભા જાડેજા નામના ૨૭ વર્ષના યુવાન પર તેમના સગા પિતા ચંદુભાઈ કનુભા જાડેજાએ મોઢા પર મુક્કા મારી ગળે ટૂંપો દઇ હત્યા નિપજાવી હતી. આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ અવિરાજસિંહ જાડેજા એ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળ્યો છે. અને જામનગરની જી જી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. જયારે હત્યા નિપજાવનાર પિતાની ધરપકડ કરી લીધી છે.
આ બનાવની વિગત એવી છે કે, મરનાર ક્રિપાલસિંહ ચંદુભા જાડેજા દારૂનો નશો કરીને અવારનવાર પરિવાર સાથે ઝઘડો કરતો હોવાથી તેના ત્રાસથી કંટાળી પિતાએ અંતિમ પગલું ભર્યું હતું. ગઈકાલે રાત્રે પિતા- પુત્ર બંને વાડીએ હતા.જે દરમિયાન વાડીમાં પણ પુત્રએ પિતા સાથે ઝઘડો કરતા પિતા ચંદુભા ઉશ્કેરાઇ ગયા હતા અને પુત્ર કૃપાલસિંહ ને સૌપ્રથમ નાક પર મુક્કો મારી દીધો હતો ત્યાર પછી ઢીકાપાટુનો માર મારી જમીન પર પછાડી દઇ તેને ગળેટૂંપો દઇ દીધો હતો.
ક્રોધમાં આવી ગયેલા પિતાએ પુત્રનો કાસળ કાઢી નાંખતા પુત્રનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. અને આ બનાવ હત્યામાં પલટાયો હતો. ત્યાર પછી મોડી રાત્રી સુધી વાડીએથી ઘેર નહી આવતા નાના પુત્ર અવિરાજસિંહે પિતાને ફોન કરતાં તેણે સમગ્ર ઘટના વર્ણવી હતી અને કૃપાલસિંહ સિંહની હત્યા નિપજાવી હોવાનું કબૂલ્યું હતું.
જેથી ધ્રોલ પોલીસને જાણ કરતા પોલીસે અવિરાજસિંહની ફરિયાદના આધારે પિતા ચંદુભા કલુભા જાડેજા સામે ખૂનનો ગુનો નોંધી ધરપકડ કરી લીધી છે. આ બનાવે મોટા વાગુદડ ગામમાં ભારે ચકચાર જગાવી છે.