image : Freepik
- જામ-વંથલીમાં ધોધમાર 6 ઇંચ વરસાદ: ઝાલીયા દેવાણીમાં ચાર ઇંચ જયારે મોટી ભલસાણામાં પણ ત્રણ ઇંચ વરસાદથી પાણી ફરી વળ્યા
જામનગર,તા.26 જુન 2023,સોમવાર
જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ હેત વરસાવ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં પડેલા વાવણી લાયક વરસાદને લઈને ખેડૂતો ખુશાલ બન્યા છે.
જામનગર તાલુકાના જામ વણથલી ગામમાં ગઈકાલે ધોધમાર 6 ઇંચ વરસાદ પડી જતાં નદીનાળામાં પૂર આવ્યા હતા. ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણી ગામમાં પણ ચાર ઇંચ, જ્યારે મોટી ભલસાણમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં એક થી દોઢ ઇંચ વરસાદ પડી ગયો હોવાના વાવડ મળ્યા છે. જેથી ખેડૂતો ખુશાલ બન્યા છે, અને વાવણીના કાર્યમાં જોતરાઈ ગયા છે.
જામનગર શહેરમાં ગઈકાલે રવિવારના દિવસે 24 કલાક દરમિયાન વરસાદ 19 મી.મી. વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત જામનગર જિલ્લાના ધ્રોલમાં આઠ મી.મી., કાલાવડમાં 7 મી.મી. વરસાદ નોંધાયો છે. જામનગર શહેરને જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ બંધાયેલો જોવા મળી રહ્યો છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવવાનું છે આજે સવારે 8 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન લઘુતલ તાપમાન 26.5 ડિગ્રી, જ્યારે મહત્તમ તાપમાન 34.0 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 97 ટકા રહ્યું હતું. જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 20 થી 25 કિ.મી ની ઝડપે રહી હતી.


