જામનગરમાં આજથી છૂટક શાકભાજીનું વેચતા ધંધાર્થીઓનું મેડિકલ ચેકઅપ
- કોરોના મહામારી સંદર્ભે મહાપાલિકાની બેઠકમાં નિર્ણય
- તમામ વોર્ડમાં થશે સઘન સેનિટાઇઝેશન, 12 આરોગ્ય કેન્દ્રોમાં ૩૪ હજાર દર્દીઓનાં નિદાન - સારવાર બાદ 1289 શરદી - ઉધરસનાં દર્દીઓનું વિશેષ ચેકઅપ
જામનગર, તા.21 એપ્રિલ 2020, મંગળવાર
જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓની આજે કોરોનાવાયરસના સંક્રમણની સામે લડત કરવાના ભાગરૂપે મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં જામનગર શહેરના તમામ છુટક શાકભાજીનું વેચાણ કરતા દુકાનદારો અને રેંકડી ચાલકો વગેરેનું મેડિકલ ચેકઅપ કરવામાં અને સાથોસાથ શહેરના તમામ વોર્ડમાં સેનિટાઇજેશનની પ્રક્રિયા હાથ ધરવા નિર્ણય કરવામાં આવ્યો છે.
જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર સતીશ પટેલની અધ્યક્ષતામાં આજે કોરોના વાયરસના સંક્રમણને લઈને મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કયા પ્રકારની કામગીરી થઇ રહી છે, તે અંગેની સમીક્ષા માટેની એક બેઠક યોજાઇ હતી. જેમાં જામનગરના મેયર હસમુખભાઈ જેઠવા સહિતનાં પદાધિકારીઓ ઉપરાંત અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં જામનગર શહેર શાકભાજીનું વેચાણ કરતા તમામ ધંધાર્થીઓને આવતીકાલે મેડિકલ ચેકઅપ હાથ ધરવા માટેનું સૂચન કરવામાં આવ્યું હતું. જેથી હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે શાકભાજીથી ખરીદી કરવા માટે આવતા તમામ ફેરિયાઓ અને વિક્રેતાઓને કે જેઓ જે તે વિસ્તારમાં શાકભાજી પહોંચાડવા જાય છે, તે તમામ નું મેડિકલ ચેકઅપ મહાનગરપાલિકાની મેડિકલ ટીમ દ્વારા કરવામાં આવશે.
આ ઉપરાંત હાલ કોરોના વાયરસના સંક્રમણની લઈને સફાઇ કામદારોને દરરોજ સવારના સાતથી એક દરમિયાન ડયુટી ફાળવવા તેમજ જે વોર્ડમાં સેનિટાઇઝેશનની પ્રક્રિયા બાકી હોય તે તમામ વિસ્તારોને પ્રાયોરિટી આપી સેનિટાઇઝેશનની કાર્યવાહી પૂરી કરવા માટે પણ નિર્ણય કરવામાં આવ્યો હતો.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જાહેર કરાયા અનુસાર અત્યાર સુધીમાં કુલ ૧,૪૧૦ વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી ૨૦૩ વ્યક્તિઓ હજુ ક્વોરન્ટાઈન છે. આ ઉપરાંત ૨૫૩ વ્યક્તિઓને સમરસ હોસ્ટેલ માં રાખવામાં આવ્યા છે.મહાનગર પાલિકામાં ૨૪ કલાક કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં મહાનગર પાલિકાના એક કર્મચારી, એક રેવન્યુ કર્મચારી તથા એક પોલીસ કર્મચારીની રિસ્પોન્સ ટીમ બનાવવામાં આવી છે અને શંકાસ્પદ કિસ્સાઓમાં તેઓ દ્વારા જી.જી. હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ૧૯૪ લોકો કે જે બહારથી આવેલા છે. તેઓના સેમ્પલ લેવામાં આવ્યા છે.
આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના બાર આરોગ્ય કેન્દ્રમાં કુલ ૩૪,૧૮૩ હજાર દર્દીઓને તપાસવામાં આવ્યા છે. જે પૈકી શરદી-ઉધરસના ૧૨૮૯ કિસ્સાઓમાં અલગથી વારંવાર ફોલોઅપ કરી તપાસ કરવામાં આવી છે. ૨૯ ૫૦૯ લોકોને ઈમ્યુનિટી પાવર વધે તે માટેની હોમયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. શહેરના નિરાધાર લોકો માટે કાર્યરત હાપા શેલ્ટર સેન્ટર હોમમાં ૫૪ વ્યક્તિઓને રાખવામાં આવી છે. જેઓને બંને ટાઇમ જમવાનું જલારામ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી રહ્યું છે.