જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા 263 શાકના ફેરીયાઓનુ મેડિકલ ચેકઅપ કરાયું
જામ ખંભાળિયા, તા. 24 એપ્રિલ 2020, શુક્રવાર
આજે જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના જુદા- જુદા 7 વિસ્તારોમાં 1 તબીબ અને બ2 પેરામેડિકલ સ્ટાફ સાથેની અલગ- અલગ સાત ટુકડીઓને દોડતી કરવામાં આવી હતી, સવારે 9:00 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધીમાં કુલ 263 શાકભાજીના ફેરિયાઓ પથારાવાળા વગેરેનું આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
શહેરના જુદા- જુદા વિસ્તારો મચ્છર નગર, ગુલાબ નગર, ખોડીયાર કોલોની, ન્યુ આરામ કોલોની, નીલકમલ સોસાયટી સહિતના જુદા-જુદા વિસ્તારમાં શાકભાજીનું વેચાણ કરતા ફેરિયાઓની આરોગ્ય તપાસણી કરી લેવામાં આવી હતી. જો કે કોઈપણ વિક્રેતાઓમાં ખામી જણાઇ ન હતી, જેથી આરોગ્ય તંત્રએ હાશકારો અનુભવ્યો છે.
આ ઉપરાંત જામનગરના હાપા વિસ્તારમા વહેલી સવારે શાકભાજીની હરાજીની પ્રક્રિયા થાય છે અને સમગ્ર જિલ્લાભરમાંથી શાકભાજીના વિક્રેતાઓ એકત્ર થાય છે. ઉપરાંત શહેરના છૂટક શાકભાજીનું વેચાણ કરતા ફેરિયાઓ સહિતના લોકો ખરીદી કરવા માટે આવે છે. જે તમામની આરોગ્ય ચકાસણી હાથ ધરવામાં આવશે. વહેલી સવારે 6:00 વાગ્યાથી જ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની અલગ- અલગ 6 ટુકડીઓ દ્વારા આરોગ્ય તપાસણી હાથ ધરવામાં આવશે. અને શાકભાજી વહેંચવા આવનારા અને ખરીદવા માટે આવનારા તમામ લોકોની આરોગ્ય ચકાસણી હાથ ધરાશે.