લુખ્ખાઓનો આતંકઃ ધ્રોલમાં એટીએમના સિક્યુરીટી ગાર્ડ પર હુમલો
- કારચાલકે સિક્યુરિટી ગાર્ડ પાસેથી એટીએમમાં પૈસા ઉપાડવાનું કહેતાં ના પાડવાથી મામલો બિચક્યો
જામનગર, તા. 27 ફેબ્રુઆરી 2021, શનિવાર
જામનગર જિલ્લાના ધ્રોલમાં જૂની નગરપાલિકા પાસે આવેલા ખાનગી બેન્કના એટીએમ પર ફરજ બજાવી રહેલા એક સિક્યુરીટી ગાર્ડ પર હાડાટોડા ગામના એક કાર ચાલક શખ્સે હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. કાર ચાલકે કારમાં બેઠા-બેઠા સિક્યુરિટી ગાર્ડ પાસેથી પૈસા ઉપાડી આપવાનું કહેતાં તેને ના પાડવાથી હુમલો કર્યાનું પોલીસમાં જાહેર થયું છે.
આ હુમલાના બનાવની વિગત એવી છે કે ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામમાં રહેતો અને ધ્રોલમાં જૂની નગરપાલિકા પાસે આવેલા એક ખાનગી બેન્કના એટીએમ પર સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો રવિરાજસિંહ તેજુભા જાડેજા નામનો 27 વર્ષનો સિક્યુરિટી ગાર્ડ યુવાન ગઈકાલે રાત્રે સાડા અગિયારેક વાગ્યાના અરસામાં પોતાની ફરજ પર હતો, જે દરમિયાન હાડાટોડા ગામનો જ બ્રિજરાજસિંહ વનરાજ સિંહ જાડેજા નામનો શખ્સ કાર લઈને આવ્યો હતો, અને પોતાનું એટીએમ કાર્ડ સિક્યુરિટી ગાર્ડને આપીને અંદરથી પૈસા ઉપાડી લાવવાનું કહેતાં સિક્યુરિટી ગાર્ડે ના પાડી હતી. જેથી આરોપી ઉશ્કેરાઇ ગયો હતો, અને સિક્યુરીટી ગાર્ડ પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ બનાવ આખરે ધ્રોલ પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને સિક્યુરિટી ગાર્ડ રવિરાજસિંહ જાડેજા એ ધ્રોલ પોલીસ મથકમાં કારચાલક બ્રિજરાજસિંહ વનરાજસિંહ જાડેજા સામે હુમલાની ફરિયાદ નોંધાવતાં ધ્રોલ પોલીસે આઈપીસી કલમ 323,504,506-2 મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.