જામનગર શહેરમાં સ્વયંભૂ પોતાના એરિયાને સ્થાનિક રહેવાસીઓએ સીલ કર્યા
- સ્થાનિક એરીયા સિવાય અન્ય ફેરિયાઓ વગેરેને પ્રવેશવા માટે પ્રતિબંધના બેનર લગાવાયા
જામનગર, તા. 9 મે 2020 શનિવાર
જામનગર શહેરમાં કોરોના વાયરસ ના સંક્રમિત દર્દીઓનો રાફડો ફાટયો છે, ત્યારે લોકોમાં સ્વયંભૂ જાગૃતિ જોવા મળી રહી છે. જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાં રહેતા રહેવાસીઓ કે પોતાના એરીયામાં કોઈ બહારથી કોરોના સંક્રમિત વ્યક્તિ આવી ન જાય, તેની તકેદારીના ભાગરૂપે પોતાના એરીયા જાતે જ સીલ કરવા માંડ્યા છે.
જામનગરના રણજીત રોડ પર રાજગોર ફળી વિસ્તારમાં રહેતા સ્થાનિક રહેવાસીઓએ પોતાનો એરીયો જાતે જ સીલ કર્યો છે. પોતાની શેરીના પ્રવેશ દ્વાર માં બેરીકેટિંગ કરી દેવામાં આવ્યું છે. અને તેના ઉપર બેનર પણ લગાવી દેવામાં આવ્યું છે.
આસપાસના વિસ્તાર રહેતા લોકો સિવાય અન્ય કોઈપણ બહારની વ્યક્તિઓ ફેરિયાઓ કે અન્ય કોઈ ચીજ વસ્તુઓનું વેચાણ કરનારા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતા બેનર લગાવી દેવામાં આવ્યા છે.
જામનગર શહેરના અનેક વિસ્તારોમાં લોકોએ જાતે જ પોતાના એરીયાઓ સીલ કરવા માંડ્યા છે. અને બહારના લોકોને પ્રવેશવા દેતા નથી. કોરોનાવાયરસ ના સંક્રમણ થી બચવા માટે લોકો જાતે જ સજાગ બન્યા છે.
જામનગર શહેરના ગ્રેઇન માર્કેટ વિસ્તાર, કડીયાવાડ વિસ્તાર, ગિરધારી મંદિર, પંજાબ બેંક રોડ, લાલા મહેતા ની શેરી, દેવબાગ નો વિસ્તાર, આણદાબાવાનો ચકલો સહિતના વિસ્તારોમાં લોકોએ પોતાના એરીયા સ્વયંભૂ બંધ કરી દીધા છે અને બેનર- પોસ્ટર લગાવ્યા છે અથવા તો વાહનો તેમજ અન્ય સામગ્રી મૂકી દઈ અવર-જવર માટેના રસ્તાઓ બંધ કરી દીધા છે.