જામનગર નજીકના નાઘેડી ના પાટીયા પાસેથી એક પિસ્તોલ અને જીવંત કારતૂસ સાથે એક શખ્સને એલસીબીએ પકડ્યો
- ઉત્તરપ્રદેશના આગ્રા થી ગેરકાયદે હથિયાર આયાત કર્યું હોવાથી પોલીસે તપાસનો દોર ઉત્તર પ્રદેશ તરફ લંબાવ્યો
જામનગર તા ૨૫,
જામનગર તાલુકાના સિક્કામાં રહેતો એક શખ્સ ગેરકાયદે હથિયાર પિસ્તોલ સાથે નાઘેડી ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહ્યો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે તેને પકડી પાડયો છે, અને પિસ્તોલ તેમ જ જીવંત કારતૂસ કબજે કર્યા છે.
જામનગર તાલુકાના સિક્કામાં ગોકુલપુરી વિસ્તારમાં રહેતો અજય ગીરી મહેન્દ્રગિરિ ગોસ્વામિ નામનો શખ્સ કે જે પોતાના કબજામાં લાઇસન્સ વગરની પિસ્ટલ લઈને ફરી રહ્યો છે, અને નાઘેડી ગામના પાટિયા પાસે થી ભાગવાની પેરવી કરી રહ્યો છે.
જે બાતમીના આધારે એલસીબીની ટીમે નાઘેડી ગામના પાટિયા પાસે મોડીરાત્રે વોચ ગોઠવી હતી. જે વોચ દરમિયાન અજયગીરી ગોસ્વામી આવી પહોંચતાં એલસીબીની ટીમે તેને દબોચી લીધો હતો, અને તેની તલાસી લેતાં તેના કબજામાંથી પિસ્ટલ મળી આવી હતી.
પોલીસે પિસ્તોલ અને બે નંગ જીવંત કારતૂસ કબજે કરી લીધા છે, અને તેની સામે હથિયાર ધારા ભંગ અંગે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરોક્ત હથીયાર તેણે ઉત્તરપ્રદેશના આગ્રા ના વિરસિંગ પાસેથી મેળવ્યું હોવાની કબુલતાં પોલીસે તેને ફરારી જાહેર કરી તપાસનો દોર ઉત્તર પ્રદેશ તરફ લંબાવ્યો છે.