જામનગર પંથકમાં ગઈ કાલે મારામારીની રાત : એક જ રાતમાં ચાર હુમલાના બનાવોથી પોલીસ તંત્ર દોડતું થયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા 24 કલાક દરમિયાન એક હત્યા અને ચાર અલગ-અલગ મારામારીના બનાવો સામે આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. એક તરફ પોલીસ ગુનાઓ પર નિયંત્રણના દાવા કરી રહી છે, તો બીજી તરફ સતત સામે આવી રહેલા હુમલાના બનાવો પોલીસ માટે ચિંતાનો વિષય બન્યા છે.
પરમદીને રાતે આહિર બુઝુર્ગ ઉપર હુમલો કરી હત્યા નિપજાવાના બનાવ બાદ ગઈકાલે રાત્રે મારામારીના અન્ય ચાર બનાવો સામે આવ્યા છે. સૌથી પહેલા શહેરના ચુનાના ભઠ્ઠા વિસ્તારમાં જૂની અદાવતના કારણે બે જૂથો વચ્ચે બબાલ સર્જાઈ હતી. આ ઘટનામાં બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ તેમજ સ્થાનિક આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
બીજી ઘટનામાં દિગજામ સર્કલ નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે પૈસાની લેતી-દેતીના મામલે પ્રદીપસિંહ પરમાર નામના યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરે તેની પીઠના ભાગે ઘા ઝીંકતા ઇજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ત્રીજો બનાવ બેડીના રસુલનગર વિસ્તારમાં બન્યો હતો. વોટ્સએપ સ્ટેટસ રાખવા જેવી સામાન્ય બાબતને લઈને પાંચ જેટલા શખ્સોએ બે યુવાનો પર લોખંડના તોલા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં બંને યુવાનોને ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે ચોથા બનાવમાં બેડી વિસ્તારમાં પાનની દુકાને બેઠેલા ઇકબાલભાઈ સીદીકભાઈ બસર પર સાતથી આઠ લોકોના ટોળાએ અચાનક પથ્થરમારો કર્યો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા ઇકબાલભાઈને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
એક જ દિવસમાં હત્યા સહિત મારામારીના ચારથી વધુ બનાવો સામે આવતા શહેરમાં સુરક્ષાની સ્થિતિ અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. સતત વધી રહેલી હિંસક ઘટનાઓ વચ્ચે પોલીસ તંત્ર માટે કાયદો અને વ્યવસ્થા જાળવવાનો પડકાર વધુ ગંભીર બન્યો હોવાનું માનવામાં આવે છે.









