જામનગરના લાખેણા લાખોટા તળાવમાં ગઈકાલના વરસાદને કારણે નવા નિર આવ્યા : લોકો જોવા ઉમટ્યા
જામનગર,તા.17 જુન 2023,શનિવાર
જામનગર શહેરના જીવાદોરી સમાન લાખેણાં લાખોટા તળાવમાં ગઈકાલે પડેલા વરસાદના કારણે નવા નીર આવ્યા હતા, અને આજે પણ ધીમીધારે પાણીની આવક ચાલુ છે. જે નિહાળવા લોકો ઊમટી પડ્યા હતા.
જામનગર શહેર ઉપરાંત દરેડ અને લાલપુરના ગ્રામ્ય પંથકમાં બે દિવસ દરમિયાન પડેલા વરસાદના કારણે કેનાલ મારફતે જામનગરના લાખોટા તળાવમાં નવા પાણીની ધીમીધારે આવક શરૂ થઈ ગઈ હતી.
જામનગર શહેરના સાધના કોલોની રણજીત સાગર રોડ સહિતના વિસ્તારમાં પડેલા વરસાદના પાણીની આવક કેનાલ મારફતે શરુ થઈ ગઈ હતી, ઉપરાંત દરેડના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગઈકાલે પાંચ થી સાત ઇંચ વરસાદ પડી ગયો હોવાના કારણે કેનાલ મારફતે તળાવમાં પાણીની આવક શરૂ થઈ હતી. તે આજે પણ ધીમીધારે ચાલુ રહી છે.
જામનગરના લાખોટા તળાવ પરિસરમાં વાવાઝોડાના કારણે 15 મોટા ઝાડ જમીનદોસ્ત થયા, ગાર્ડન મોર્નિંગ માટે બંધ
બિપોરજોય વાવાઝોડાની અસર જામનગરના લાખોટા તળાવની ફરતે નાના-મોટા 50 ઝાડની ડાળીઓ પણ તૂટીને જોગિંગ ટ્રેક ઉપર પડી હોવાથી લાખોટા તળાવને આજે પણ બંધ રખાયું છે, અને ગાર્ડન શાખા સહિતની ટીમને મદદથી આવી ડાળીઓ દૂર કરવાની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે.
લાખોટા તળાવનું તમામ પરિસર અને જોગિંગ ટ્રેક સાફ થઈ ગયા પછી સહેલાણી અને જોગિંગ કરનારા લોકોને પ્રવેશ અપાશે.